સબંધોમાં કડવાશની અસર, માલદીવ જનારા ભારતીય પ્રવાસીઓમાં 33 ટકાનો ઘટાડો
image : Socialmedia
માલે,તા.09 માર્ચ 2024,શનિવાર
માલદીવમાં ભારત વિરોધી રાષ્ટ્રપતિ મોઈજ્જૂની સરકારે ભારત સાથે છેડેલા વિવાદ બાદ ભારતીય પર્યટકોનો આ દેશથી મોહભંગ થઈ રહ્યો તેવુ આંકડા કહી રહ્યા છે.
ભારતીય પર્યટકોનો માલદીવના પર્યટન ઉદ્યોગમાં ઘણો મોટો ફાળો છે પણ ભારત સાથે શરૂ થયેલા વિવાદ બાદ માલદીવ જતા ભારતીયોની સંખ્યામાં 33 ટકાનો ઘટાડો થયો છે. માલદીવના પર્યટન મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે માર્ચ 2023ના મુકાબલે માર્ચ-2024માં માલદીવ જનારા ભારતીય પર્યટકોની સંખ્યા ખાસી ઘટી ચુકી છે.
ગત વર્ષે માર્ચ મહિનામાં માલદીવની મુલાકાત લેનારા પર્યટકોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને હતુ અને આ વર્ષે માર્ચ મહિનામાં ભારત છઠ્ઠા ક્રમે છે. આ વખતે માર્ચ મહિનામાં 27000 ભારતીય પર્યટકો માલદીવની મુલાકાત લઈ રહ્યા છે અથવા તો લેશે. તેની સામે ગત વર્ષે માર્ચ મહિનામાં 41000 ભારતીયો માલદીવ ફરવા માટે ગયા હતા.
માલદીવ માટે જોકે ચીન હવે સહારો બની રહ્યુ છે. માલદીવ જતા ચીનના પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. માર્ચ મહિનામાં માલદીવ જનારા ચીનના લોકોની સંખ્યા 54000 રહે તેવો અંદાજ છે.
મોઈજ્જૂએ ચીન સાથે પોતાની નિકટતા વધારી છે અને તેના કારણે ચીનની સરકાર પોતાના લોકોને પણ માલદીવ ફરવા જવા માટે પ્રોત્સાહન આપી રહી હોવાનુ મનાઈ રહ્યુ છે.
બીજી તરફ ભારતે પણ માલદીવના વિકલ્પ તરીકે લક્ષદ્વીપ ટાપુઓને આગળ કરવા માંડ્યા છે અને તેના કારણે આગામી વર્ષોમાં લક્ષદ્વીપમાં જો પ્રવાસીઓ માટેની સુવિધાઓ વધશે તો માલદીવના વિકલ્પ તરીકે લક્ષદ્વીપ ટાપુઓ ભારતીયોના ફેવરિટ બની શકે છે.