બીજા દેશોએ અમારી ચિંતા કરવાની જરૂર નથી, તુર્કી પાસેથી ડ્રોન ખરીદયા બાદ માલદીવના રાષ્ટ્રપતિએ ભારતને ટોણો માર્યો
image : Twitter
માલે,તા.16 માર્ચ 2024,શનિવાર
માલદીવની ભારત વિરોધી મોઈજ્જુ સરકારે તુર્કી પાસેથી બાયરકતાર કંપનીના ડ્રોન ખરીદયા છે. જે માલદીવ પહોંચી પણ ચુકયા છે.
શુક્રવારે માલદીવના રાષ્ટ્રપતિ મોઈજ્જુએ આ ડ્રોન અંગે પહેલી વખત નિવેદન આપતા કહ્યુ હતુ કે, માલદીવની હવાઈ સીમાઓની રક્ષા આ ડ્રોન દ્વારા કરવામાં આવશે. સાથે સાથે તેમણે ભારતનુ નામ લીધા વગર ટોણો મારતા કહ્યુ હતુ કે, બીજાએ તેની ચિંતા કરવાની જરુર નથી.
ચીનના રવાડે ચઢેલા મોઈજ્જુએ ભારત સાથેના સબંધો બેહદ ખરાબ કરી નાંખ્યા છે. મોઈજજુએ માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સની હવાઈ પાંખના લોન્ચિંગ દરમિયાન પણ ભારત પર આડકતરી રીતે નિશાન સાધ્યુ હતુ. તેમણે કહ્યુ તુ કે, માલદીવની ભવિષ્યની પેઢી માટે માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સની રચના આશીર્વાદ સમાન છે. આપણા દેશની સુરક્ષાની જવાબદારી આપણી હોવી જોઈએ. જો બીજા દેશો માલદીવની સુરક્ષાની ચિંતા કરતા હોય તો તે આપણા માટે વધારે ચિંતાજનક વાત છે. માલદીવને પોતાની સરહદની સુરક્ષા માટે પેટ્રોલિંગનો અધિકાર છે.
તેમણે ભારત સમર્થક વિપક્ષી પાર્ટી પર પણ પ્રહાર કરતા કહ્યુ હતુ કે, આપણી વચ્ચે મતભેદો ભલે હોય પણ માલદીવની વિચારધારા અને માલદીવની ઓળખને પ્રાથમિકતા આપવાની જરુર છે. માલદીવના લોકોએ આપણો દેશ નાનો છે તે વિચારવાનુ છોડી દેવુ જોઈએ.
ઉલ્લેખનીય છે કે, માલદીવે બાયરકતાર કંપનીના ડ્રોન ખરી દયા છે અને તેનો ઉપયોગ યુક્રેન પણ કરી રહ્યુ છે. યુક્રેને આ ડ્રોન થકી રશિયાની સેના પર કરેહા હુમલા બાદ આખી દુનિયામાં આ ડ્રોનની ચર્ચા છે.
જોકે માલદીવની વિપક્ષી પાર્ટીઓ તુર્કી પાસેથી ડ્રોનની ખરીદીમાં મોઈજ્જુ સરકારે ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપો પણ કરી રહી છે.