Get The App

માલદીવના રાષ્ટ્રપતિ મુઈજ્જુએ સંસદમાં ભારતને અલ્ટીમેટમ આપ્યું

ભારતીય સૈનિકો 10 મે સુધીમાં પરત જશે તેવો મુઈજ્જુનો દાવો

ભારત વિરોધી વલણના લીધે 87 સાંસદોવાળી સાંસદમાં 56 સભ્યોએ મુઈજ્જુના ભાષણનો બહિષ્કાર કર્યો

Updated: Feb 6th, 2024


Google NewsGoogle News
માલદીવના રાષ્ટ્રપતિ મુઈજ્જુએ  સંસદમાં ભારતને અલ્ટીમેટમ આપ્યું 1 - image


Maldives News | માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ સોમવારે સંસદની બેઠક પહેલા આપેલા પોતાના પહેલા રાષ્ટ્રપતિ ભાષણમાં ભારતનું નામ લીધા વગર ઘણી વાત કરી. ઇન્ડિયા આઉટના નારા પર સત્તા પર આવેલા મુઈજ્જુએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે તેમની સરકાર દેશના સંપ્રભુત્વ સાથે કોઈપણ પ્રકારનું સમાધાન નહીં કરે. તેઓ કોઈપણ પ્રકારના બહારના દબાણ સામે નહીં ઝૂકે. સંસદમાં પોતાના પહેલા સંબોધનમાં મુઈજ્જુએ માલદીવમાં ભારતીય સૈનિકોની હાજરી પર નિશાન સાધતા જણાવ્યું હતું કે તેમનું માનવું છે કે માલદીવના બહુમતી લોકો તેમની સરકારનું સમર્થન કરે છે. તેમણે જણાવ્યું હતું કે લોકોને આશા છે કે તેમની સરકાર વિદેશી સૈનિકોની હાજરી ખતમ કરશે.

હાઇડ્રોગ્રાફિક સમજૂતી 2019 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માલદીવ પ્રવાસ દરમિયાન થઈ હતી. આ સમજૂતી હેઠળ ભારત માલદીવના સમુદ્રી વિસ્તારમાં હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણ કરાવતું હતું, જેના માટે કેટલાય ભારતીય જહાજો ગોઠવાયા હતા. માલદીવની સંસદમાં ભારે વિરોધ વચ્ચે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ પોતાના ભારત વિરોધી વલણ પર કાયમ છે. સોમવારે માલદીવના સંસદમાં ભાષણ દરમિયાન તેમણે ફરીથી ભારત વિરોધી નિવેદન કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે માલદીવની જનતાએ તેમને ભારતીય સૈનિકોને બહાર નીકાળવા જનાદેશ આપ્યો હતો. 

સ્થાનિક મીડિયા રિપોર્ટો મુજબ તેમણે જણાવ્યું હતું કે ભારત અને માલદીવ તે વાત પર સંમત થયા છે કે ભારતીય સૈનિકો દસ મે સુધી માલદીવ છોડી દેશે. આશ્ચર્યની વાત તો એ હતી કે મુમુઈજ્જુએ ખાલી સંસદમાં ભાષણ કર્યુ હતુ. મુખ્ય વિપક્ષી દળોએ તેમના ભારત વિરોધી વલણના લીધે તેમનો બહિષ્કાર કર્યો હતો. મુઇઝઝુુએ ભાષણ આપ્યું ત્યારે 87 સાંસદોની સંસદમાં ૫૬ સાંસદોએ વિરોધ કર્યો હતો. ફક્ત ૨૪ સાંસદ જ હાજર રહ્યા હતા. સ્થાનિક રિપોર્ટો પરથી ખબર પડે છે કે આ માલદીવના ઇતિહાસનો સૌથી મોટો બહિષ્કાર છે.


Google NewsGoogle News