ભારત માલદીવમાંથી પોતાના સૈનિકો નહી હટાવે તો અમારું લોકતંત્ર જોખમમાં મુકાશે : મોહમ્મદ મુઈઝ
Maldives President Mohamed Muizzu Statement : ભારત અને માલદીવ વચ્ચે સૈનિકોને પરત બોલાવવા મામલે વિવાદ ચાલી રહ્યો છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝસત્તામાં આવ્યા પછી ભારતીય સૈનિકોને પરત ખેંચવા બાબતે ભારત અને માલદીવના સંબંધોમાં ખટાશ આવી છે.
માલદીવના રાષ્ટ્રપતિએ ફરી એક વખત માલદીવમાં હયાત ભારતીય સૈનિકોને પરત બોલાવી લેવાનો મામલો ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ભારત માલદીવની લોકતાંત્રિક ઈચ્છાનું સન્માન કરે અને પોતાની સેનાને પરત બોલાવી લેમોહમ્મદ મુઇઝુએ કહ્યું હતું કે, જો ભારતે પોતાના સૈનિકોને પરત નહીં ખેંચે તો તે માલદીવના લોકોની લોકતાંત્રિક ઈચ્છાનું અપમાન અને તેમના ભવિષ્યને જોખમમાં મૂકતું ગણાશે.
માલદીવના લોકોને માલદીવમાં વિદેશી સૈન્યની હાજરી બિલકુલ પસંદ નથી. હાલમાં માલદીવમાં માત્ર ભારતીય સેના જ છે. માલદીવના લોકોના આદેશનું સન્માન કરવા માટે મેં ભારતને તેના સૈનિકો પાછા ખેંચવા વિનંતી કરી છે. જો ભારત અમારી માંગનું સન્માન નહીં કરે તો દેશમાં લોકતંત્ર ખતરામાં પડી શકે છે, તેમ રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું. આ સાથે મુઈઝએ ઉમેર્યું હતું કે, સંસદીય મંજૂરી વિના વિદેશી સૈનિકોની હાજરી બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ છે.
મુઈઝનું કહેવું છે કે, ભારત સાથે વાતચીત દ્વારા આ મુદ્દાનો ઉકેલ શોધવામાં આવશે. તેમણે કહ્યું છે કે, ભારત અમારા સૌથી નજીકના મિત્રોમાંથી એક છે. આપણા પરંપરાગત અને સાંસ્કૃતિક મૂળ જોડાયેલા છે. આ એક ઐતિહાસિક હકીકત છે. વેપાર, વાણિજ્ય, રોકાણ અને પ્રવાસન જેવા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેના સંબંધો વધી રહ્યા છે.
તેમની પર ભારત વિરોધી અને ચીન સમર્થક હોવાના આરોપ પણ લાગી રહ્યા છે. આ બાબતે સ્પષ્ટતા આપતા મુઈઝએ કહ્યું હતું કે અમે કોઈ દેશના વિરોધી કે સમર્થક નથી. મારી સરકાર માલદીવ સમર્થક નીતિ અપનાવશે.