માલદીવે પહેલા ભારતીય સૈનિકોને પાછા મોકલ્યા, હવે ભારતીય હેલિકોપ્ટરો અને વિમાનનો ઉપયોગ પણ બંધ કરશે
image : Socialmedia
માલે,તા.22 માર્ચ 2024.શુક્રવાર
ચીનની સોડમાં ભરાયેલા માલદીવના ભારત વિરોધી રાષ્ટ્રપતિ મોઈજ્જૂએ ભારતના સૈનિકોને દેશ છોડવાની તો ફરજ પાડી જ છે અને હવે માલદીવની સરકારે ભારતે આપેલા હેલિકોપ્ટર અને વિમાનનો ઉપયોગ પણ બંધ કરવા માટે વિચારી રહી છે.
ભારતે બે હેલિકોપ્ટરો અને એક ડોર્નિયર વિમાન મોઈજ્જૂ રાષ્ટ્રપતિ બન્યા તે પહેલાની ભારત તરફી સરકારને ભેટમાં આપ્યા હતા. જેથી માલદીવ તેનો ઈમરજન્સીની સ્થિતિમાં ઉપયોગ કરી શકે. આ હેલિકોપ્ટરો અને પ્લેનના સંચાલન માટે ભારતે સૈનિકોની ટુકડીને પણ તૈનાત કરી હતી.
ભારત વિરોધી મોઈજ્જૂએ સત્તા પર આવ્યા બાદ આ સૈનિકોને ભારત પાછા ફરવાની ફરજ પાડી છે અને 89 સૈનિકો પૈકીની એક ટીમ 10 માર્ચે ભારત પાછા આવવા રવાના થઈ ગઈ હતી. 10 મે સુધીમાં તમામ 89 સૈનિકો ભારત પાછા જતા રહેશે.
ભારતે હવે આ વિમાનો અને હેલિકોપ્ટરના સંચાલન માટે સૈનિકોની જગ્યાએ સિવિલિયનની ટીમ મોકલી છે પણ માલદીવના મીડિયાના રિપોર્ટ પ્રમાણે એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ છે કે, ભવિષ્યમાં ભારતીય હેલિકોપ્ટરો અને વિમાનોનો ઉપયોગ પણ નહીં કરવામાં આવે.
આ નિવેદન બાદ માલદીવ ગયેલી સિવિલિયન ટેકનિશિયનોની ટીમનુ શું થશે તેના પર પણ સવાલ છે. માલદીવ સરકારે પોતાની એર એમ્બ્યુલન્સ સર્વિસ પણ શરુ કરી છે. જેના કારણે ભારતીય હેલિકોપ્ટરો અને વિમાનોની ઉડાન બંધ થવાની શક્યતા છે. અત્યાર સુધી દર્દીઓની હેરફેર માટે ભારતીય હેલિકોપ્ટરો અને વિમાનો જ ઉપયોગમાં લેવાતા હતા.
મોઈજ્જૂ સરકારને તો ભારતે મોકલેલી ટેકનિશિયનોની નવી ટીમ પર પણ શંકા છે. સરકાર માનવા તૈયાર નથી કે નવી ટીમમાં સામેલ લોકો સૈનિકો નથી. માલદીવ સરકારના અધિકારીઓનુ કહેવુ છે કે, નવી ટીમના તમામ સભ્યો સિવિલિયન છે કે નહીં તેની ખાતરી કરવામાં આવશે.
બીજી તરફ પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને મંગળવારે જ કહ્યુ હતુ કે, ભારતીય એરક્રાફ્ટસને પાછા મોકલી દેવામાં આવે. ભારતના સૈનિકો હવે નાગરિકોના વેશમાં માલદીવમાં રહેવા માંગે છે.
કુલ મળીને જે પ્રકારના સંજોગો ઉભા થઈ રહ્યા છે તે જોતા એવુ લાગી રહ્યુ છે કે, માલદીવ દ્વારા ભારતના હેલિકોપ્ટરો અને વિમાનો વાપરવાનુ બંધ કરી દેવાશે.