માલદીવ ગળા સુધી દેવામાં છે, વિકાસ માટેની યોજનાઓ શરુ કરવા પૈસા નથીઃ મોઈજ્જૂની કબૂલાત
માલે,તા.7.ફેબ્રુઆરી.2024
ચીનને ખુશ કરવા માટે ભારત સાથે ખુલ્લેઆમ દુશ્મની વહોરી લેનારા માલદીવના પ્રમુખ મહોમ્મદ મોઈજ્જુએ કબૂલ્યુ છે કે, માલદીવની આર્થિક હાલત બહુ ખરાબ છે.દેશ દેવામાં ડુબેલો છે.
તેમણે આ સ્થિતિ માટે દોષનો ટોપલો અગાઉની સરકારો પર ઢોળતા કહ્યુ હતુ કે, દેશની કંગાળ ઈકોનોમી મને અગાઉની સરકારો તરફથી વારસામાં મળી છે અને દેશના લોકોને હું ગેરમાર્ગે દોરવા માંગતો નથી.અત્યારે માલદીવની આર્થિક સ્થિતિ સારી નથી અને દેશ પર ભારે દેવાને જોતા નવી કોઈ વિકાય યોજના શરુ કરી શકાય તેમ નથી.
મોઈજ્જુ પર અટકી પડેલા પ્રોજેકટસ શરુ કરવા માટે રાજકીય દબાણ થઈ રહ્યુ હતુ અને એ પછી તેમણે એક કાર્યક્રમમાં ઉપરોકત ખુલાસો કરતા કહ્યુ હતુ કે, દેશની માલિકીના પણ જે સાહસો છે તેના પર પણ ઘણુ દેવુ ચઢી ગયુ છે.હું દેશનો વાસ્તવિક રીતે વિકાસ કરવા માટે ઈમાનદારીથી પ્રયાસો કરી રહ્યો છું.પહેલાની સરકારોની જેમ જ હું કામ કરીશ તો તેના કોઈ પરિણામ નહીં આવે.આગામી બે મહિના દેશ માટે મુશ્કેલ છે.જુલાઈ પછી દેશની આર્થિક હાલત સુધરવા માંડશે.દેશની આવકમાં વધારો થાય તેવા પ્રયાસો શસરકારે શરુ કરી દીધા છે.
સાથે સાથે મોઈજ્જુએ કહ્યુ હતુ કે, પ્રોજેકટસ પૂરા કરવા માટે અમે લોન માટેની વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ અત્યારે જે મર્યાદાઓ છે તેના કારણે અટકેલી યોજનાઓ શરુ કરી શકાય તેમ નથી અને નવી યોજનાઓ માટે પણ વિચાર કરી શકાય તેમ નથી.એક જ સમયે તમામ માંગ પૂરી કરી નહીં કરી શકાય.જે ઈકોનોમી અમને વારસામાં મળી છે તેની સ્થિતિ ખરાબ છે.