ભારત સામે બાંયો ચઢાવનારા માલદીવ પ્રમુખના વળતા પાણી, મુઈજ્જુ સામે મહાભિયોગનો પ્રસ્તાવ
નવી દિલ્હી,તા. 29 જાન્યુઆરી 2024, સોમવાર
ભારતની સામે બાંયો ચઢાવનાર માલદીવના રાષ્ટ્રપતિના વળતા પાણી આવી રહ્યાં છે. દેશ-દુનિયામાં ભારે ફજેતી સહન કર્યા બાદ હવે મુઈજ્જુએ રાષ્ટ્રપતિ પદ પણ ગુમાવવું પડી શકે છે. અહેવાલ અનુસાર માલદીવના રાષ્ટ્રપતિ મુઈજ્જુ સામે મહાભિયોગના પ્રસ્તાવ અંગે સંમતિ સધાઇ છે.
હરહંમેશ મદદે આવનાર ભારત સામે આંખ ઉંચી કરનાર અને બાદમાં ચીન પાસેથી તરફેણ માંગવા જનાર મુઈજ્જુનું રાષ્ટ્રપતિ પદ છીનવાઈ શકે છે. માલદીવના રાષ્ટ્રપતિ મુઈજ્જુ પોતાની નીતિઓ અને નિવેદનોને કારણે વિપક્ષના નિશાના પર છે. આ પહેલા પણ વિપક્ષી પાર્ટીઓએ મુઈજ્જુના ભારત વિરોધી વલણ અને ચીન સાથે વધતી મિત્રતા પર સવાલ ઉઠાવ્યા હતા પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે, ભારત વિરોધી મુઈજ્જુ સરકારનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. માલદીવ MDP સંસદીય સમૂહ રાષ્ટ્રપતિ મુઈજ્જુ સામે મહાભિયોગ રજૂ કરવા સંમત થયું છે. મુખ્ય વિપક્ષ એમડીપી પાસે સંસદમાં બહુમતી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવા માટે પુરતી સહિઓ એકત્રિત કરી છે. સૌથી મોટી વાત એ છે કે, MDP પાસે હાલ માલદીવની સંસદમાં સૌથી વધુ સાંસદો છે એટલે કે સંખ્યાબળની દ્રષ્ટિએ માલદીવ ડેમોક્રેટિક પાર્ટી પાસે સૌથી મોટો 42નો આંકડો છે. માલદીવ એક એવો દેશ છે જ્યાં એક સમયે બૌદ્ધ ધર્મના લોકો હતા અને સંખ્યાબંધ હિંદુઓ પણ હતા. જે દેશ હંમેશા ભારતનો મિત્ર રહ્યો છે.
તાજેતરમાં રાષ્ટ્રપતિ બનેલા મોહમ્મદ મુઈજ્જુની નીતિઓને કારણે ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. મુઈજ્જુએ રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ ભારતની ચિંતા વધવા લાગી. મુઈજ્જુ હંમેશા ખુલ્લેઆમ ભારતના વિરોધમાં જોવા મળ્યા છે. તેમણે ચૂંટણી વખતે પણ ઈન્ડિયા આઉટનો નારો આપ્યો હતો. ત્યાર પછી તેઓ બહુમતીથી જીત્યા હતા.
આ પણ વાંચો: માલદીવમાં સાંસદો વચ્ચે મારામારી, મુઇજ્જુના પક્ષે મતદાન અટકાવવા જતા હોબાળો