માલદીવે ભારત પર વધુ એક આરોપ લગાવ્યો, કહ્યું-'જવાબ આપવો પડશે'
માલદીવે કહ્યું- 'ભારતે આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે'
India-Maldives Tension: ભારત અને માલદીવ વચ્ચે છેલ્લા ઘણાં સમયથી તણાવ ચાલી રહ્યો છે. હવે માલદીવે આરોપ લગાવ્યો છે કે ભારતીય કોસ્ટ ગાર્ડ માલદીવના ત્રણ માછીમારી બોટ પર ચઢ્યા હતા.માલદીવ સરકારે ભારત સરકાર પાસેથી આ અંગે જવાબ માગ્યો છે. વર્ષ 2023માં માલદીવમાં યોજાયેલી ચૂંટણી બાદથી ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી છે. માલદીવે ભારતીય સેનાને ત્યાંથી પાછા ફરવાનું અલ્ટીમેટમ પણ આપ્યું છે. ભારત સાથેના બગડતા સંબંધો વચ્ચે માલદીવ ચીન તરફ ઝૂકી રહ્યું છે.
માલદીવના આ આરોપો પર ભારત સરકાર તરફથી હજુ કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. માલદીવના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં દાવો કર્યો હતો કે, 31મી જાન્યુઆરીએ ભારતીય કોસ્ટ ગાર્ડે માલદીવના વિશેષ આર્થિક ક્ષેત્રની અંદર માછીમારી કરી રહેલી બોટને અટકાવી છે. જે આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
મુઈજ્જુની 'INDIA OUT'ની યોજના નિષ્ફળ!
માલદીવમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 'India Out'નો નારો આપનાર મુઈજ્જુ પોતાના પ્લાનમાં સફળ થઈ શક્યા નથી. બંને દેશો વચ્ચેની ઉચ્ચસ્તરીય બેઠક બાદ માલદીવમાંથી ભારતીય સૈનિકો પાછા ખેંચવાને લઈને ઔપચારિક સમજૂતી થઈ ગઈ હોવા છતાં અહેવાલ આનાથી અલગ છે. ભારતીય સૈનિકો માલદીવથી પાછા ફરશે અને તેમની જગ્યાએ ભારત નાગરિકોને ત્યાં કહેનાત કરશે. એટલે કે ભારત સૈનિકોને બોલાવશે અને તેમની જગ્યાએ નાગરિકોને ત્યાં તહેનાત કરશે.
ઉલ્લેખનીય છે કે, મોહમ્મદ મોઈજ્જૂની સરકાર બન્યા પહેલા ભારત અને માલદીવ વચ્ચે ગાઢ સંબંધો હતા. ત્યાં ચીન સમર્થિત સરકાર સત્તા પર આવતા જ ભારત સાથેના સંબંધો બગડ્યા અને હવે તેમના મંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાત પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી આગમાં ઘી નાંખવાનું કામ કર્યું છે.