30 દિવસમાં રફાહને સ્મશાન બનાવી દો, તેનું નામો નિશાન મિટાવી દો : નેતન્યાહૂએ આર્મીને આપેલી આખરી મુદત
- થોડા મહિના પૂર્વે ગાઝામાં જે કર્યું તે રફાહમાં રીપીટ થઇ રહ્યું છે, બકરી ઇદના દિને પણ બોમ્બમારો : ટનલમાં છુપાયેલાઓ પણ નિશાન બન્યાં
તેલ અવીવ : ગાઝા પટ્ટીને સ્મશાન બનાવી હવે ઇઝરાયલી સેના ગાઝા પટ્ટીની દક્ષિણ પશ્ચિમે રહેલાં રફાહ શહેર ઉપર કેર વરસાવવો શરૂ કર્યો છે. એક પછી એક દિવસે ખતરનાક બની રહેલાં આ યુદ્ધમાં ફરી નિર્દોષોનો નર-સંહારનો ખતરો તોળાઈ રહ્યો છે. પહેલાં રાહત શિબિરો ઉપર બોમ્બ નાખ્યા પછી બકરી ઇદના દિને પણ બોમ્બ વર્ષા કરી. સાથે ટનલોમાં છુપાયેલા હમાસના આતંકીઓ ઉપર પણ ગોળીબાર, બોમ્બમારો શરૂ કરી દીધો છે. ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ સેનાને કહી દીધું છે કે, રફાહમાંથી હમાસનું નામો-નિશાન મીટાવી દો. તેને સ્મશાન બનાવી દો.
નેતન્યાહૂને દુનિયાભરમાંથી નરસંહાર બંધ કરવા કહેવાઈ રહ્યું છે. ધમકીઓ પણ અપાઈ રહી છે પરંતુ નેતન્યાહૂને તેની કોઈ અસર નથી. તેણે હમાસનો ખાત્મો કરવા નિર્ણય લીધો છે. હવે તે સુરંગો ઉપર ફોક્સ કરી રહ્યા છે.
ઇઝરાયલી ડીફેન્સ ફોર્સના કર્નલ બેટીટો કહે છે કે હમાસના આતંકી હવે અમારી જાળમાં ફસાતા જાય છે. પહેલાં ત્યાં લોકો ઘરોમાં આશ્રય લેતા હતા હવે, સુરંગોમાં ફસાઈ ગયા છે. હવે અમે સુરંગો ઉપર ફોક્સ કરીએ છીએ.
ગત સપ્તાહે હમાસની ટોહી-બ્રિગેડને ઉત્તર ગાઝા અને ગાઝા પટ્ટીના અન્ય હિસ્સાઓમાં ભગાડી દીધા છે. ગત સપ્તાહે ટોહી બ્રિગેડના પાંચ લોકો માર્યા ગયા હતા. ઇઝરાયલી સેનાએ રફાહમાં જ્યારથી કાર્યવાહી શરૂ કરી ત્યારથી હજી સુધીમાં હમાસના માત્ર ૨,૦૦૦ આતંકીઓ બચ્યા છે.