Get The App

'અમેરિકામાં ઉત્પાદન કરો નહીંતર જંગી ટેરિફ માટે તૈયાર રહો...' ટ્રમ્પની ચેતવણીથી કંપનીઓમાં ફફડાટ

ઈતિહાસનો સૌથી મોટો ટેક્સ કટ જાહેર કરી પ્રજાને રાહત આપવાની ટ્રમ્પની તૈયારી

Updated: Jan 24th, 2025


Google News
Google News
'અમેરિકામાં ઉત્પાદન કરો નહીંતર જંગી ટેરિફ માટે તૈયાર રહો...' ટ્રમ્પની ચેતવણીથી કંપનીઓમાં ફફડાટ 1 - image


Donald Trump News | અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં પહેલી વખત સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમના વૈશ્વિક મંચ પરથી ફરી એક વખત દુનિયાને જંગી ટેરિફની ધમકી આપી છે. આ સાથે ટ્રમ્પે કહ્યું કે, સાઉદી અરબ અને ઓપેક દેશો ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો કરે તો રશિયા અને યુક્રેન યુદ્ધ તાત્કાલિક બંધ થઈ જશે. ટ્રમ્પે અમેરિકાના ઈતિહાસમાં સૌથી મોટો ટેક્સ કટ જાહેર કરી પ્રજાને રાહત આપવાના સંકેતો આપ્યા હતા. ટ્રમ્પે કહ્યું કે, કંપનીઓ અમેરિકામાં ઉત્પાદન કરીને જ જંગી ટેરિફથી બચી શકશે. 

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે પ્રમુખપદના શપથ લીધાના બે દિવસ બાદ ગુરુવારે સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમને વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં ટ્રમ્પે વિશ્વના ઉદ્યોગોને અમેરિકામાં ઉત્પાદન કરવા માટે સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે. તેમણે કહ્યું કે, અમેરિકાનો સુવર્ણ યુગ શરૂ થઈ ગયો છે અને સંપૂર્ણ વિશ્વ ટૂંક સમયમાં વધુ શાંતિપૂર્ણ અને સમૃદ્ધ બની જશે. 

ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરીએ તેમના બીજા કાર્યકાળના શપથ લીધા તે જ દિવસે યોગાનુયોગ વર્લ્ડ ઈકોનોમિક ફોરમની પાંચ દિવસની વાર્ષિક બેઠક શરૂ થઈ હતી. શપથગ્રહણના દિવસે જ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ આરોગ્ય સંસ્થામાંથી નીકળી જવાના અને પેરિસ કરાર રદ કરી દેવાની જાહેરાત કરી હતી.

ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા પાસે કોઈપણ દેશ કરતાં વધુ ક્રૂડ ઓઈલ છે અને અમે તેનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ. મેં સાઉદી અરબ અને ઓપેક દેશોને ક્રૂડ ઓઈલની કિંમતો ઘટાડવા માટે વિનંતી કરી છે. તેમણે દાવો કર્યો કે ક્રૂડના ભાવ ઘટી જાય તો રશિયા-યુક્રેન યુદ્ધ તાત્કાલિક અસરથી બંધ થઈ જશે. 

સાઉદી અરબના ક્રાઉન પ્રીન્સ મોહમ્મદ બિન સલમાને આગામી ચાર વર્ષમાં અમેરિકામાં 600 અબજ યુએસ ડોલરનું રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કર્યાના કલાકોમાં જ ટ્રમ્પે સાઉદી અરબને અમેરિકામાં તેનું રોકાણ એક લાખ કરોડ ડોલર સુધી લઈ જવા વિનંતી કરી હતી. ક્રાઉન પ્રિન્સે ટ્રમ્પ સાથે ટેલિફોન પર વાતચીત કર્યા પછી અમેરિકામાં રોકાણ અંગે ઈચ્છા વ્યક્ત કરી હતી.

દરમિયાન ટ્રમ્પે વૈશ્વિક આર્થિક મંચ પરથી દુનિયાભરના ઉદ્યોગપતિઓને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે તેઓ તેમના ઉત્પાદન એકમો અમેરિકામાં શરૂ કરે. અન્યથા ટેરિફમાં જંગી વધારાનો સામનો કરવા માટે તૈયાર રહે. અમે કંપનીઓને દુનિયામાં કોઈપણ દેશની સરખામણીમાં સૌથી ઓછા ટેક્સની સુવિધા આપીશું.

ટ્રમ્પે જણાવ્યું કે, અમેરિકાનો સુવર્ણ યુગ શરૂ થઈ ગયો છે. અમારો દેશ વધુ મજબૂત અને વધુ ધનવાન બનશે. સંપૂર્ણ પૃથ્વી વધુ શાંતિપૂર્ણ અને સમૃદ્ધ બનશે. મારું વહીવટીતંત્ર છેલ્લા ચાર વર્ષમાં અયોગ્ય અને નકામા લોકો પાસેથી વારસામાં મળેલી આફતોને સુધારવા અભૂતપૂર્વ ગતિએ કામ કરી રહ્યું છે. અગાઉની સરકાર ચાર વર્ષમાં જે ના કરી શકી તે અમે માત્ર ત્રણ જ દિવસમાં કરી નાંખ્યું. અમેરિકન પ્રમુખે જણાવ્યું કે, આખા વિશ્વમાં ખાદ્ય કિંમતો આકાશને આંબી રહી છે અને હું અમેરિકામાં તાત્કાલિક ફુગાવો નિયંત્રણમાં લાવવા માટે કામ કરીશ. હું અમેરિકાના ઈતિહાસમાં સૌથી મોટો ટેક્સ કટ જાહેર કરીને પ્રજાને રાહત આપીશ. હું પ્રત્યેક નવા નિયમો સાથે ૧૦ જૂના નિયમો રદ કરવાનું વચન આપું છું.

Tags :
TrumpMake-it-in-America-or-be-preparedMassive-tariffs

Google News
Google News