અમેરિકામાં નવા વર્ષની ઉજવણી બની લોહિયાળ: બેફામ ટ્રક ચાલકે લોકોને કચડી આડેધડ કર્યું ફાયરિંગ, 10ના મોત
IMAGE: 'X' |
Road Accident in america : અમેરિકાના ન્યૂ ઓરિલીન્સમાં એક મોટો અકસ્માત થયો છે. એક પૂર ઝડપે આવતો ટ્રક ભીડમાં ઘૂસી ગયો હતો અને ત્યાં ઉભેલા લોકો પર ચડી ગયો હતો. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે અને 30 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું કે, ન્યૂ ઓરિલીન્સ બનેલી આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે અને ઘણાં લોકો ઘાયલ થયા છે. હકીકતમાં શહેરના પ્રસિદ્ધ બોર્બોન સ્ટ્રીટ વિસ્તારમાં એક કાર લોકોની ભીડમાં ઘૂસી ગઈ હતી અને અનેક લોકોને કચડી નાખ્યા હતા. આ મોટી દુર્ઘટના અંગેની પોલીસ તપાસ કરી અહી છે.
ડ્રાઇવરે ભીડ પર કર્યો આડેધડ ગોળીબાર
સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર, એક ટ્રક અચાનક જ ભીડમાં ઘૂસી ગયો અને ડ્રાઇવરે વાહનમાંથી બહાર આવીને ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેના જવાબમાં પોલીસે પણ ગોળીબાર કર્યો. ન્યૂ ઓરિલીન્સની ઈમરજન્સીની તૈયારી કરતી એજન્સીએ આ ઘટના અંગે પહેલાથી જ ચેતવણી આપી હતી અને લોકોને તે વિસ્તારથી દૂર રહેવા કહ્યું હતું. ઘટના બાદ પીડિતોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 'મળતી માહિતી અનુસાર કાર લોકોની ભીડ સાથે અથડાઈ હતી. અને કેટલાક લોકોના મોતના અહેવાલ સામે આવી રહ્યા છે.'
ગવર્નરે આપી વિસ્તારથી દુર રહેવાની ચેતવણી
આ ઘટના નવા વર્ષની શરૂઆતના કલાકોમાં જ બની હતી. નવા વર્ષની ઉજવણી કરવા માટે નજીકની બોર્બન સ્ટ્રીટ પર હજારો લોકો એકઠા થતા હોય છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ હાલ આ વિસ્તારમાં જવાનું ટાળે કારણ કે ઈમરજન્સી ટીમો ઘટનાની તપાસ કરી રહી છે. શંકાસ્પદની ધરપકડ અંગે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી. આ દરમિયાન લ્યુઇસિયાનાના ગવર્નર જેફ લેન્ડ્રીએ 'X' પર જણાવ્યું હતું કે, 'આજે સવારે બોર્બોન સ્ટ્રીટ પર હિંસાની ભયંકર ઘટના બની હતી.' તેમણે લોકોને તે વિસ્તારથી દૂર રહેવા વિનંતી કરી હતી જ્યાં હુમલો થયો હતો.