તૂર્કીમાં મુંબઈના 26/11 જેવો ભયાનક હુમલો, આતંકીઓના આડેધડ ફાયરિંગમાં 4 મોત, મૃત્યુઆંક વધવાની સંભાવના
Terrorist Attack in Turkey : તૂર્કીની રાજધાની અંકારામાં મુંબઇના 26/11 જેવો આતંકવાદી હુમલો થયો છે. આતંકીઓએ સંરક્ષણ કંપનીમાં પણ આડેધડ ગોળીબાર કર્યો છે, જેના કારણે ચાર લોકોના મોત અને 14 ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઉપરાંત આતંકીઓએ અનેક લોકોને બંધક પણ બનાવી રાખ્યા છે. તૂર્કીના ગૃહ મંત્રીના જણાવ્યા મુજબ, સંરક્ષણ દળો આંતકવાદીઓ સામે લડત આપી રહ્યા છે. હાલ એક મહિલા અને એક પુરુષ આમ કુલ બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે.
તૂર્કીની ટોચની સંરક્ષણ કંપનીમાં આતંકી હુમલો
તૂર્કી સરકારના ગૃહ મંત્રી અલી યર્લિકાયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને કહ્યું કે, 'આતંકવાદીઓએ અંકારામાં આવેલી દેશની ટોચની સંરક્ષણ કંપનીમાં ફાયરિંગ કર્યું છે, જેમાં ચાર લોકોના મોત થયા છે અને 14 ઇજાગ્રસ્ત થયા છે. આતંકીઓએ સંરક્ષણ કંપની તૂર્કી એરોસ્પેસ ઈન્ડસ્ટ્રી ઈન્ક.માં અનેક લોકોને બંધક બનાવી રાખ્યા છે. હાલ સંરક્ષણ દળો આંતકીઓ સામે લડત આપી રહ્યા છે અને અમે બે આતંકીઓને ઠાર માર્યા છે.'
સંરક્ષણ કંપનીમાં ચાલે છે અનેક લશ્કરી પ્રોજેક્ટ
જોકે, અલી યેર્લિકાયાની રાજધાનીના બહારના વિસ્તારમાં સ્થિત તૂર્કી એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ હુમલા અંગે વધુ માહિતી આપવામાં આવી નથી. તૂર્કીની ટોચની સંરક્ષણ કંપની જૂના F-16 ફાઈટર જેટ્સના મેઈન્ટેનન્સનું કામ કરે છે. આ કંપની પોતાના TF-X પ્રોગ્રામ હેઠળ લશ્કરી એરક્રાફ્ટ સહિતના અને સંરક્ષણના સિસ્ટમોનું ઉત્પાદન કરે છે. આ કંપનીએ આ વર્ષે આંતરરાષ્ટ્રીય એર શોમાં અત્યાધુનિક મલ્ટિરોલ હેલિકોપ્ટર પણ રજૂ કર્યું હતું.
નાટો તૂર્કીની સાથે છે: માર્ક રુટ્ટે
નાટોના મહાસચિવ માર્ક રુટ્ટેએ અંકારામાં થયેલા આતંકવાદી હુમલાને ચિંતાજનક ગણાવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં તેમણે લખ્યું કે, નાટો અમારા સહયોગી તૂર્કીની સાથે છે. અમે આતંકવાદની સખત નિંદા કરીએ છીએ. અમે આ હુમલા પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. મેં હમણાં જ રાષ્ટ્રપતિ એર્દોગન સાથે અંકારામાં થયેલા આતંકવાદી હુમલા વિશે વાત કરી છે. અમે દરેક સ્થિતિમાં તૂર્કીને સહયોગ આપવા તૈયાર છે.
આ પણ વાંચોઃ બાંગ્લાદેશમાં ફરી ભડકો, રાષ્ટ્રપતિને સત્તાથી બેદખલ કરવા લોકોની ભીડે કરી ઘેરાબંદી, 5 ઘાયલ