Get The App

પાકિસ્તાનની ચૂંટણીમાં આ હિન્દુ ઉમેદવારે સર્જયો ઈતિહાસ, 1.32 લાખ મતની જંગી સરસાઈથી જીત મેળવી

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાનની ચૂંટણીમાં આ હિન્દુ ઉમેદવારે સર્જયો ઈતિહાસ, 1.32 લાખ મતની જંગી સરસાઈથી જીત મેળવી 1 - image

image : Twitter

ઈસ્લામાબાદ,તા.10 ફેબ્રુઆરી 2024,શનિવાર

પાકિસ્તાનની ચૂંટણી બાદ મતગણતરી ચાલુ છે. દરેક મુખ્ય પાર્ટી પોતાની જીતના દાવા કરી રહી છે પણ હજી સુધી ચિત્ર સ્પષ્ટ થયુ નથી.

ચૂંટણીમાં કોઈ પાર્ટીને પૂર્ણ બહુમતી મળે તેમ લાગી રહ્યુ નથી. ત્રણ પ્રમુખ પાર્ટીઓ પૈકી આસિફ અલી જરદારીની પાર્ટી પાકિસ્તાન પિપલ્સ પાર્ટીને મોટો ફટકો વાગ્યો છે અને આ પાર્ટી ઘણી પાછળ છે.

જોકે પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી લડનાર હિન્દુ ઉમેદવાર મહેશ કુમાર મલાનીએ થરપારકર બેઠક પરથી 1.32 લાખ મતથી જીત મેળવીને ઈતિહાસ સર્જી દીધો છે. નેશનલ એસેમ્બલીમાં સામાન્ય કેટેગરીની બેઠક પર જીત મેળવનાર મહેશ કુમાર પહેલા બિન મુસ્લિમ વ્યક્તિ બની ગયા છે. તેમણે ગ્રાન્ડ ડેમોક્રેટિક એલાયન્સના અરબાબ ગુલામ રહીમને હરાવ્યા છે.

મહેશ કુમાર થરપારકર વિસ્તારમાં ખાસા લોકપ્રિય છે. 2018માં તેઓ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી વતી ચૂંટણી લડ્યા હતા અ્ને જીત્યા હતા. તેઓ થરપારકરના હિન્દુ સમુદાયની સાથે સાથે મુસ્લિમ સમુદાયમાં પણ એટલા જ લોકપ્રિય નેતા માનવામાં આવે છે.

તેઓ બેનઝીર ભુટ્ટોના સમયથી પીપીપી સાથે જોડાયેલા છે. મહેશ કુમાર બ્રાહ્મણ સમુદાયમાંથી આવે છે. તેમના મત વિસ્તારમાં મુસ્લિમોની સંખ્યા હિન્દુઓ કરતા વધારે છે પણ થરપારકરમાં તેઓ તમામ લોકોમાં સન્માન ધરાવે છે.

પાકિસ્તાનમાં અત્યાર સુધી જે પરિણામ આવ્યા છે તેમાં અપક્ષ ઉમેદવારોની બોલબાલા જોવા મળી રહી છે. 266 બેઠકો પૈકી 99 બેઠકો પર અપક્ષ ઉમેદવારો જીત્યા છે. આ પૈકીના મોટાભાગના ઈમરાન ખાનના સમર્થિત ઉમેદવારો છે.

પાકિસ્તાનમાં નવાઝ શરીફ અને ઈમરાન ખાન એમ બંનેએ સરકાર બનાવવા માટે દાવો રજૂ કર્યો છે.


Google NewsGoogle News