ઈન્ડોનેશિયામાં 5.6ની તીવ્રતાનો ભૂકંપઃ 62નાં મોત, 700 કરતાં વધુ ઘાયલ
- જાવાના સિયાનજૂરમાં 10 કિ.મી. પૃથ્વીના પેટાળમાં એપી સેન્ટર
- સેંકડો ઈમારતો અને મકાનોને નુકસાન, અસંખ્ય લોકોને આશ્રય ગૃહોમાં ખસેડાયા: રાહત-બચાવ કામગીરી શરૂ કરાઈ
ભૂકંપ બાદ ઈન્ડોનેશિયામાં ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈઃ મિનિટો સુધી ઈમારતો હાલતી રહી તેના વીડિયો વાયરલ
જકાર્તા : ઈન્ડોનેશિયામાં ૫.૬ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ ત્રાટક્યો હતો, એમાં ૬૨ લોકોનાં મોત થયા હતા. ૭૦૦ કરતાં વધુ લોકોને ઈજા પહોંચી હતી. એમાંથી ઘણાં ઈજાગ્રસ્તોની સ્થિતિ ખૂબ જ નાજૂક હોવાનું સરકારી નિવેદનમાં કહેવાયું હતું. અસંખ્ય મકાનોને નુકસાન થયું હતું. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ભૂકંપનું એપી સેન્ટર જાવાના સિયાનજૂરમાં ૧૦ કિલોમીટર ઊંડાણમાં નોંધાયું હતું.
ઈન્ડોનેશિયાના જાવામાં ભૂકંપનો તીવ્ર આંચકો આવ્યો હતો. સિયાનજૂરમાં ત્રાટકેલા આ ભૂંકપની વ્યાપક અસર થઈ હતી. રિક્ટર સ્કેલમાં તેની તીવ્રતા ૫.૬ નોંધાઈ હતી. સેંકડો ઈમારતોમાં નુકસાન થયું હતું અને તિરાડો પડી ગઈ હતી. એવી ઈમારતોમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને આશ્રય ગૃહોમાં ખસેડાયા હતા. તીવ્ર ભૂકંપ બાદ લોકોમાં આફ્ટર શોકનો ભય જોવા મળ્યો હતો. લોકોએ ઘરમાં જવાનું ટાળ્યું હતું અને બહાર જ કલાકો વીતાવ્યા હતા.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના કહેવા પ્રમાણે રાહત અને બચાવ કામગીરીનો આરંભ કરી દેવાયો છે. મૃત્યુઆંક વધે એવી દહેશત છે. કેટલાક સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ પણ નોંધાઈ છે. ઘણી હોસ્પિટલો, ઘણી ધાર્મિક ઈમારતોમાં તિરાડો પડી ગઈ હતી.
સોશિયલ મીડિયામાં ભૂકંપની તસવીરો અને વીડિયો શેર થયા હતા. તસવીરો અને વીડિયો પરથી જણાયું હતું કે અસંખ્ય ઈમારતો ધસી પડી હતી. લગભગ બે-અઢી મિનિટ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મિનિટો સુધી ઈમારતો હાલતી હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
ઉલ્લેખનીય છે કે ૨૭ કરોડની વસતિ ધરાવતા ઈન્ડોનેશિયામાં અવારનવાર ભૂકંપ ત્રાટકે છે. ઈન્ડોનેશિયાના પેટાળમાં જ્વાળામુખીઓની રિંગ હોવાથી આ વિસ્તારમાં સૌથી વધુ ભૂકંપ ત્રાટકવાની શક્યતા છે. રિંગ ઓફ ફાયર તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલા ઈન્ડોનેશિયામાં હજુ તો ફેબુ્રઆરીમાં જ ૬.૨ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ ત્રાટક્યો હતો, જેમાં ૨૫નાં મોત થયા હતા અને અસંખ્ય ઈમારતોને નુકસાન પહોંચ્યું હતું. ૨૦૨૧માં જાન્યુઆરીમાં ૬.૨ની જ તીવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો, જેમાં ૧૦૦ લોકોનાં મોત થયા હતા અને ૬૨૦૦ને ઈજા થઈ હતી. ૨૦૦૪માં પણ ભૂકંપ ને સુનામીના કારણે ઈન્ડોનેશિયા સહિતના દેશોમાં તારાજી સર્જાઈ હતી.