ઇટાલી પાસે લક્ઝુરિયસ યૉટ ડૂબી: અબજોપતિ બિઝનેસમેન માઇક લિંચ સહિત છ ગુમ, પત્નીને બચાવાયા
Luxury yacht sank off near Italy : ઇટાલીના સિસિલી ટાપુ નજીક 19 ઑગસ્ટે ભારે તોફાન આવતા એક લક્ઝુરિયસ યૉટ ડૂબી જવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે છ લોકો ગુમ છે. ગુમ થયેલા લોકોમાં બ્રિટનના અબજોપતિ બિઝનેસમેન માઇક લિંચ અને તેમની પુત્રી પણ સામેલ છે. ઇટાલીની કોસ્ટ ગાર્ડે આ અંગે જણાવ્યું કે, બેયસિયન નામની એક બ્રિટિશ યૉટ 22 લોકો સાથે પોર્ટિસેલો બંદર પાસે ઊભી હતી. જે દરમિયાન અચાનક ભારે તોફાન આવતા યૉટ ડૂબી ગઈ હતી.
15 લોકોના જીવ બચાવાયા
આ ઘટનામાં 15 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. જેમાં યૉટની માલિક અને માઇક લિંચની પત્ની એન્જેલા બેકારેસ પણ સામેલ છે. રેસ્ક્યુ કરાયેલા આઠ લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી બાજુ, મરજીવા અને હેલિકોપ્ટર ગુમ થયેલા લોકોને શોધી રહ્યા છે. યૉટ ટ્રેકિંગ એપ વેસલફાઇન્ડર મુજબ, યૉટ 14 ઑગસ્ટે સિસિલીના મિલાજો બંદરથી રવાના થઈ હતી અને 19 ઑગસ્ટે પાલેર્મોના પૂર્વમાં દેખાઈ હતી. એની નેવિગેશન સ્થિતિ એન્કર પર હતી.
સહ-કર્મચારીઓને પાર્ટી આપવા યોજી હતી યાત્રા
ઘટનામાં બચી ગયેલા લોકોએ જણાવ્યું કે, આ યાત્રા લિંચે તેના સહ-કર્મચારીઓને પાર્ટી આપવા યોજી હતી. ઘટનામાં યોટના રસોઈયાનું મોત થયું છે. સિસિલીના નાગરિક સુરક્ષા પ્રમુખે જણાવ્યું છે કે, ગુમ થયેલા લોકો બ્રિટન, અમેરિકા અને કેનાડાના નાગરિકો છે. જેમાં મોર્ગન સ્ટેનલી ઇન્ટરનેશનલના અધ્યક્ષ જોનાથન બ્લૂમર અને ક્લિફોર્ડ ચાંસના વકીલ ક્રિસ મોરવિલો પણ સામેલ છે.
મરજીવાઓએ કાટમાળનું નિરીક્ષણ કર્યું
કોસ્ટ ગાર્ડે જણાવ્યું કે, મરજીવા 49 મીટરની ઉંડાઈએ પડેલા બેયસિયનના કાટમાળનું નિરીક્ષણ કરી રહ્યા છે. તપાસ કરવામાં આવી રહી છે કે, યૉટ કઈ રીતે ડૂબી હતી. નિષ્ણાતોના મતે, ઘણા અઠવાડિયાથી ભારે ગરમી પડ્યા બાદ તાજેતરમાં ઇટાલીમાં તોફાન અને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જેનાથી ભૂમધ્ય સમુદ્રનું તાપમાન રૅકોર્ડ સ્તર સુધી વધી ગયું છે. જેનાથી તોફાન આવી રહ્યા છે.
કોણ છે માઇક લિંચ?
59 વર્ષીય માઇક લિંચ બ્રિટનના સૌથી પ્રસિદ્ધ ટેક ઉદ્યોગપતિઓમાંથી એક છે. અબજોપતિ લિંચને બ્રિટનના બિલ ગેટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે કેમ્બ્રિજ યૂનિવર્સિટીમાં પોતાની રિસર્ચથી દેશની સૌથી મોટી સોફ્ટવેર કંપની ઓટોનોમીનું નિર્માણ કર્યું હતું. પછી 2011માં આ કંપની HPને 11 બિલિયન ડોલરમાં વેચી દીધી હતી. જો કે, પછી કંપની પર છેતરપિંડીનો આરોપ લાગતાં ડિલ રદ થઈ ગઈ હતી. જે બાદ તેમને લાંબા સમય સુધી કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો. 2023માં કોર્ટે તેમને નિર્દોષ જાહેર કરતાં તેઓ ફરી તેમના બિઝનેસમાં જોડાયા હતા. નોંધનીય છે કે, માઇક લિંચે તેમના સહ-કર્મીઓને પાર્ટી આપવા આ યાત્રા યોજી હતી. જો કે, દુર્ઘટનામાં તેઓ ગુમ થયા છે અને મરજીવા તેમને શોધી રહ્યા છે.