Get The App

7 વખત મોતને હાથતાળી, 6 લાખ ડોલરની લોટરી, જાણો દુનિયાના સૌથી નસીબદાર વ્યક્તિને

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
7 વખત મોતને હાથતાળી, 6 લાખ ડોલરની લોટરી, જાણો દુનિયાના સૌથી નસીબદાર વ્યક્તિને 1 - image

image : Twitter

બેલગ્રેડ,તા.4 જાન્યુઆરી 2024,ગુરૂવાર

કેટલાક લોકો નસીબના બળિયા સાબિત થતા હોય છે. યુગોસ્લાવિયાના ફ્રેન સેલાક આવા જ નસીબવંતા લોકો પૈકી એક છે. બલ્કે તેમને દુનિયાના સૌથી લકી વ્યક્તિનુ બિરુદ પણ મળ્યુ છે.

ફ્રેન સેલાકના જીવન પર નજર નાંખીએ તો તેમને સૌથી નસીબદાર વ્યક્તિ કહેવામાં ખોટુ પણ નથી. ફ્રેનનો જન્મ હોસ્પિટલમાં નહીં બલકે બોટ પર થયો હતો. ફ્રેનના માતા પિતા બોટ લઈને તે વખતે માછલી પકડવા ગયા હતા અને સમય પહેલા ફ્રેન પેદા થયા હતા. ડોકટરોએ કહ્યુ હતુ કે, આ બાળક વધારે દિવસો નહીં જીવે પણ માતાએ કરેલી દેખભાળથી ફ્રેન મોટા થવા લાગ્યા હતા.

ફ્રેન સેલાકે મોટા થઈને એક સ્કૂલમાં મ્યુઝિક ટીચરની નોકરી શરુ કરી હતી. આ દરમિયાન તેમના ચાર લગ્ન થયા હતા અને  એક પણ પત્ની સાથે તેમને ફાવ્યુ નહોતુ. 30 વર્ષની વય પછી તેમની જિંદગીમાં બદલાવ શરુ થયા હતા.

1962મા ફ્રેન જે ટ્રેનમાં બેઠા હતા તે ટ્રેન પાટા પરથી ઉતરીને નદીમાં ખાબકી હતી. શિયાળો હોવાથી નદીનુ પાણી ઠંડુ હતુ. મોટાભાગના મુસાફરોના આ નદીમાં ડુબી જવાથી મોત થયા હતા ત્યારે ફ્રેન નદીમાંથી બહાર નીકળવામાં સફળ થયા હતા.

1963માં એક ફ્લાઈટમાં બેસીને તેઓ પોતાની માતાને મળવા જઈ રહ્યા હતા ત્યારે પ્લેનનો ઈમરજન્સી દરવાજો ખુલી જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં પ્લેનમાં બેઠેલા 19 લોકોના મોત થયા હતા પણ ફ્રેનનો આબાદ બચાવ થયો હતો.

આ અકસ્માતના ત્રણ વર્ષ પછી તેઓ મ્યુઝિક માટે પોતાની ટીમ સાથે એવોર્ડ લેવા માટે બસમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે ડ્રાઈવરે બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને આ બસ નદીમાં પડી હતી. ફ્રેન્કે ફરી એક વખત મોતને હાથતાળી આપી હતી અને હેમખેમ નદીમાંથી બહાર આવ્યા હતા.

1970માં ફરી વિધાતાએ તેમને બચાવ્યા હતા.આ વખતે ફ્રેન જે કારમાં મુસાફરી કરી રહ્યા હતા તેમાં આગ લાગી હતી અને તેઓ માંડ માંડ તેમાથી બહાર નીકળી શક્યા હતા. કાર આગમાં ખાક થઈ ગઈ હોવાથી ફ્રેને નવી કાર લીધી હતી. આ કારમાં તેઓ પેટ્રોલ પંપ પર પેટ્રોલ પૂરાવી રહ્યા હતા ત્યારે તેમાં આગ લાગી ગઈ હતી. ફ્રેન ગભરાઈને થોડે દૂર ગયા બાદ તરત જ કારમાં મોટો વિસ્ફોટ થયો હતો. જેમાં તેઓ માંડ માંડ બચ્યા હતા.તેમના કપડા અને માથાના વાળ સળગી ગયા હતા.

એ પછી બે દાયકાનો સમય શાંતિથી પસાર થયો હતો પણ 1995માં તેઓ કામ પર જઈ રહ્યા હતા ત્યારે એક ડબલ ડેકર બસે તેમને ટક્કર મારીને દૂર ફંગોળી દીધા હતા. લોકોને લાગ્યુ હતુ કે, ફ્રેનનુ મોત થઈ ગયુ છે પણ તકદીર ફ્રેનની સાથે હતુ અને તેમનો બચાવ થયો હતો.

જોકે મોત સાથે તેમની સંતાકૂકડી ચાલુ રહી હતી. 1996માં તેઓ પહાડી રસ્તા પર ડ્રાઈવિંગ કરી રહ્યા હતા ત્યારે સામેથી આવતી ટ્રકથી બચવા તેમણે ટર્ન માર્યો હતો અને તેમની કાર પહાડની ધાર પર અટકી ગઈ હતી. તેઓ પાછલા દરવાજાથી જેવા બહાર નીકળ્યા કે તરત તેમની કાર નીચે ઉંડી ખીણમાં ખાબકી હતી અને આગના હવાલે થઈ ગઈ હતી.

કિસ્મતની મહેરબાની તેમના પર હજી ચાલુ રહી  હતી.2002માં તેમણે ગ્રોસરી સ્ટોરમાં શોપિંગ કર્યા બાદ વધેલા પરચૂરણમાંથી લોટરીની ટિકિટ ખરીદી હતી. આ ટિકિટના કારણે તેમને 6 લાખ ડોલરનુ ઈનામ લાગ્યુ હતુ.

આ પૈસામાંથી ફ્રેને જાહોજલાલીભરી જિંદગી જીવવાનુ ચાલુ કર્યુ હતુ. જોકે થોડા વર્ષો બાદ તેઓ ધનવાન વ્યક્તિ તરીકેની જિંદગી જીવીને કંટાળી ગયા હતા. તેમણે આલિશાન ઘર વેચી નાંખ્યુ હતુ અને સાદગીભર્યુ જીવન જીવવાનુ શરુ કર્યુ હતુ. વધેલા પૈસા તેમણે સબંધીઓમાં વહેંચી દીધા હતા.

કિસ્મતના ધની એવા આ વ્યક્તિનુ આખે 2016માં 87 વર્ષની વયે નિધન થયુ હતુ. ત્યાં સુધીમાં તે દુનિયાના સૌથી સૌભાગ્યાશાળી વ્યક્તિ તરીકે ખાસી એવી ખ્યાતિ મેળવી ચુકયા હતા.


Google NewsGoogle News