અમેરિકાના લોસ એન્જલસની આગમાં 10000 મકાનો રાખ, લગભગ 150 અબજ ડૉલરનું નુકસાન
ઐતિહાસિક ઇમારતો આગ લાગવાથી પત્તાના મહેલની જેમ તૂટી પડી
પેસિફિક મહાસાગરના કાંઠે વસેલા પલિસેડ્સ વિસ્તારમાં ભારે નુકસાન
USA Los Angelas Fire News | અમેરિકાના કેલિફોર્નિયા પ્રાંતના દક્ષિણ ભાગમાં ફાટી નીકળેલી આગને કારણે અમેરિકન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ગઢ ગણાતા લોસ એન્જલસમાં હાહાકાર મચી ગયો છે. જંગલની આગ તો ઘણા સમયથી ભડકી રહી હતી પરંતુ તેને ફેલાવવામાં 100 થી 160 કિમી ઝડપે ફૂંકાયેલા પવને મોટી ભૂમિકા ભજવી. 10 હજાર જેટલા ઘર-ઈમારતો બળીને રાખ થઇ ગયા છે અને 150 અબજ ડોલરથી વધુનું નુકસાન થયું છે. કેટલાક વિસ્તારોમાં આગના ગોળા હજુ પણ ધખધખી રહ્યા છે. આગને કાબૂમાં લેવાના પ્રયાસો હજુ ચાલી રહ્યા છે પરંતુ આગ પર કાબુ મેળવી શકાયો નથી.
સ્થાનિક વહિવટી તંત્ર લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવાની અપીલ કરી રહયું છે. આગ લાગવા પાછળના કારણોની તપાસ ચાલી રહી છે પરંતુ હોલીવુડનું ઘર ગણાતા લોસ એન્જેલસને કરોડો ડોલરનો લોસ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પેસિફિક મહાસાગરના કાંઠે વસેલા પલિસેડ્સ વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. અનેક ઐતિહાસિક ઇમારતો આગ લાગવાથી પત્તાના મહેલની જેમ તૂટી પડી છે. આગને કાબુમાં લેવા માટે પ્રયાસ થાય ત્યારે જ બીજા કોઇ નવા સ્થળે આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે.
જયાં વિસ્થાપિતોને સલામત સ્થળ સમજીને આશરો આપવામાં આવ્યો હતો તે પણ આગના ભયથી મુકત નથી. માલિબુ નામના નગરમાં ઘર બધા જ બળી ગયા છે અને આગ લાગવાથી કાળા પડી ગયેલા પામ ટ્રી જ ઉભા રહયા છે. ઘર ઉપરાંત પાંચ ચર્ચ, એક સિનેગોગ, સાત સ્કૂલો, બે પુસ્તકાલયો, કેટલીક દુકાનોસ બાર રેસ્ટોરન્ટ અને બેંક બિલ્ડિંગ પણ બળીને ખાખ થઇ છે. 1920ના દસકાના સ્થાનિક લેન્ડમાર્ક,વિલ રોજર્સ વેસ્ટર્ન રેંચ હાઉસ અને ટોપંગા રેંચ મોટલ પણ સ્વાહા થઇ ગયા છે.