પન્નુની હત્યાનુ કાવતરુઃ અમેરિકન વિદેશ મંત્રીએ કહ્યુ કે, ભારત તપાસ કરીને કાર્યવાહી કરે તેવી અપેક્ષા
image : twitter
વોશિંગ્ટન,તા.1 ડિસેમ્બર 2023,શુક્રવાર
અમેરિકામાં ખાલિસ્તાની આતંકી ગુરુપતવંતસિંહ પન્નૂની હત્યાના ષડયંત્રના આરોપનો મામલો કોર્ટમાં પહોંચ્યા બાદ ખળભળાટ છે.
બીજી તરફ આ મામલે ભારતે તપાસ કરવાની જાહેરાત કરી છે. જેને અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કને આવકારી છે અને કહ્યુ છે કે, ભારતે બહુ યોગ્ય નિર્ણય લીધો છે અને અમેરિકાને આશા છે કે, આ ગંભીર મામલામાં ભારત સરકાર કાર્યવાહી કરશે. આ એવી ઘટના છે જેને અમેરિકાની સરકારે ગંભીરતાથી લીધી છે. આ મામલાને અમે સીધો ભારત સરકાર સમક્ષ ઉઠાવ્યો હતો. ભારત સરકાર તરફથી હવે તેની તપાસ કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે હું તપાસના અંતે શું પરિણામ આવે છે તે જોવા માટે ઉત્સુક છું.
બ્લિન્કને જોકે વધારે કશું કહેવાનો ઈનકાર કરીને જણાવ્યુ હતુ કે, આ મામલો કોર્ટમાં છે અને જે કેસ પર સુનાવણી ચાલી રહી હોય તેના પર વધારે ટિપ્પણી કરવી યોગ્ય નથી. હું ફરી કહું છું કે, પન્નુની હત્યાના ષડયંત્રને લઈને અમે ગંભીર છે અને અમે ભારત સરકાર સમક્ષ આ મુદ્દો સીધો ઉઠાવ્યો હતો. આ મામલાની તપાસની માંગને ભારત સરકારે સ્વીકારી લીધી છે.
ઉલ્લેખનીય છે કે, આ મામલામાં અમેરિકાની તપાસ એજન્સીએ કોર્ટમાં જે આરોપો લગાવ્યા છે તેમાં કહેવાયુ છે કે, એક ભારતીય અધિકારીએ અમેરિકામાં ખાલિસ્તાની આતંકી પન્નૂની હત્યાનુ કાવતરુ ઘડ્યુ હતુ. જેને નિષ્ફળ બનાવાયુ હતુ. આ કાવતરુ ઘડવામાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા સામેલ હતો. તેણે જ પન્નુની હત્યાની સોપારી આપી હતી. ભારતમાં બેઠેલા એક વ્યક્તિના ઈશારે તેણે આ કામ કર્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, ભારત સામે સતત ઝેર ઓકી રહેલા ખાલિસ્તાની આતંકી પન્નુને ભારત સરકારે 2020થી આતંકી જાહેર કર્યો છે. જોકે અમેરિકા અને સાથે સાથે કેનેડાની સરકારે તેને ભારત સામે ઝેર ઓકવા માટે તમામ પ્રકારની છુટ આપી છે તે આશ્ચર્યની વાત છે.