'નફરત ફેલાવનારાઓને...', લોકસભા ચૂંટણી પરિણામો પહેલા પાકિસ્તાની નેતાના મનમાં ફૂટ્યા લાડુ
Image Twitter |
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીના મતગણતરી લગભગ પૂરી થવા આવી છે અને દેશની 543 બેઠક પરના પરિણામો આવવા લાગ્યા છે. અત્યાર સુધી થયેલી મતગણતરી પ્રમાણે ભાજપના નેતૃત્વવાળી એનડીએને પૂર્ણ બહુમતીના આંકડા મળી રહ્યા છે અને 296થી વધારે બેઠકો પર લીડ મળી રહી છે. તો કોંગ્રેસ સહિત વિપક્ષી પક્ષના ગઠબંધન INDIA નું પ્રદર્શન ખૂબ શાનદાર જોવા મળી રહ્યું છે. ઈન્ડિયા ગઠબંધન 227 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. શરુઆતના પરિણામો પર પાકિસ્તાનથી પ્રતિક્રિયા આવવા લાગી છે.
પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારમાં અગાઉ માહિતી મંત્રી રહેલા ફવાદ ચૌધરી સતત મતગણતરી પર નજર રાખી રહ્યા છે, અને તેઓ ઈન્ડિયા ગઠબંધનના પ્રદર્શનથી ઘણા ખુશ દેખાઈ રહ્યા છે. સત્તાવાર પરિણામોથી પહેલા જ તેઓ ભાજપ પર નિશાન સાધી રહ્યા છે.
ફવાદ ચૌધરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમની પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, તેમને ભારતના મતદારોમાં હંમેશા વિશ્વાસ હતો કે, તેઓ નફરત ફેલાવનારા અને ઉગ્રવાદીઓને નકારી દેશે.
PM મોદી અને રાજનાથ સિંહની બેઠકનું અપડેટ
પીએમ મોદી ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. પ્રારંભિક રાઉન્ડમાં વડાપ્રધાન મોદી કોંગ્રેસના અજય રાયથી 6 હજારથી વધુ મતોથી પાછળ જોવા મળ્યા હતા. જો કે, તેમણે ટૂંક સમયમાં કોંગ્રેસના ઉમેદવારને પાછળ છોડી દીધા.
શરુઆતમાં રાજનાથ સિંહ પણ ગણતરીના પ્રથમ રાઉન્ડમાં લખનૌ લોકસભા સીટથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રવિદાસ મેહરોત્રાથી પાછળ જોવા મળી રહ્યા હતા. જોકે હવે તેઓ આગળ નીકળી ગયા છે.
કેટલાક એક્ઝિટ પોલમાં એવું કહેવામાં આવ્યું હતું કે, આ વખતે ભાજપને 400થી વધુ સીટો મળશે, પરંતુ અત્યાર સુધીની મત ગણતરીના આધારે આ આંકડો પૂરો થાય તેમ લાગતું નથી. આને લઈને ફવાદ ચૌધરીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, 'એક્ઝિટ પોલ આ આંકડા ખૂબ જ અતિશયોક્તિપૂર્વક વધારો કરીને બતાવ્યા છે.
ભારતીય મુસ્લિમો...
શાહબાઝ શરીફની પાછલી સરકારમાં વિદેશ મંત્રી રહેલા બિલાવલ ભુટ્ટો ઝરદારીના મીડિયા સલાહકાર પત્રકાર ઓમર આર કુરેશીએ પણ સોશિયલ મીડિયા X પર શરુઆતના પરિણામો પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
કુરેશીએ X પર લખ્યું, કદાચ.... 'ભારતીય મુસ્લિમોએ આજે સામૂહિક રીતે રાહતનો શ્વાસ લઈ રહ્યા હશે', અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું, '350થી ઓછી એક સીટ પણ ભાજપ માટે મોટો ઝટકોના રુપે માનવામાં આવશે. જો મોદી ત્રીજી વખત સરકાર બનાવે છે, તો પણ તે તેમની અત્યાર સુધીની સૌથી નબળી સરકાર હશે.
India’s Muslims may be breathing a collective sigh of relief today - just maybe
— omar r quraishi (@omar_quraishi) June 4, 2024
એક્ઝિટ પોલ પર પણ પાકિસ્તાનની પ્રતિક્રિયા આવી
પાકિસ્તાન તરફથી એક્ઝિટ પોલ પર પણ ઘણી પ્રતિક્રિયા આવી હતી. શનિવારે અંતિમ તબક્કાનું મતદાન સમાપ્ત થયા બાદ મોડી સાંજે એક્ઝિટ પોલના પરિણામો આવ્યા હતા.
ચૂંટણી પરિણામોની આગાહીને લઈને પાકિસ્તાનના પૂર્વ વિદેશ સચિવ એજાઝ ચૌધરીએ એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં કહ્યું કે, 'અમે અત્યાર સુધી જે જોયું છે... મોદી સાહેબે તેમના ચૂંટણી પ્રચારમાં જે પણ કહ્યું, તેને પોતાની પ્રાથમિકતા બનાવી અને તેના પર અમલ કર્યો છે. વર્ષ 2019ની ચૂંટણીમાં કલમ 370નો ઉલ્લેખ કર્યો હતો અને સત્તામાં આવ્યા બાદ તરત જ તેને અમલ કરી દીધો હતો. મને લાગે છે કે, આ વખતે તેમની સૌથી મોટી પ્રાથમિકતા ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની છે. અને તેના માટે તેમણે પહેલેથી જ ઘણું કામ શરૂ કરી દીધું છે.
એજાઝ ચૌધરીએ વધુમાં કહ્યું હતું કે, 'આમ તો તેના પર પાકિસ્તાનમાં કોઈને કોઈ વાંધો નહીં હોય... અને જો ત્યાં હિન્દુઓ બહુમતીમાં હોય તો બનાવો હિન્દુ રાષ્ટ્ર.... તેનાથી અમને શું ફરક પડે છે. પરંતુ તેઓ પહેલાથી જ મુસ્લિમો અને અન્ય ધર્મના લોકો માટે સમસ્યાઓ ઉભી કરી રહ્યા હતા, હિન્દુ રાષ્ટ્ર પછી વધુ અન્ય સમસ્યાઓ ઉભી કરશો.