ભારત સાથે શિંગડા ભેરવવાનું ભારે પડશે, માલદીવની પ્રજાનો જ તેમના નેતાઓ સામે આક્રોશ
- ભારત વિરુદ્ધ ઝેર ઓકવા મુદ્દે મોઇઝ્ઝુથી જનતા નારાજ હોવાના સંકેત
- માલદિવ્સ ભોજન, શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે ભારત પર નિર્ભર, પ્રવાસન મુદ્દે ઘર્ષણ આર્થિક જોખમ ઊભું કરી શકે : એમડીપી
- અમે ભલે નાનો દેશ, પરંતુ અમને ધમકાવવાનું લાઈસન્સ કોઈને આપ્યું નથી : ચીનના પ્રવાસથી પાછા ફરેલા પ્રમુખ મુઈઝ્ઝુ
માલે : માલદિવ્સમાં બીજી વખત ભારત વિરોધી સરકાર બની છે અને આ સરકારની રચના સાથે જ ભારત સાથે તેના સંબંધો કથળ્યા છે. ભારત વિરોધી અભિયાન ચલાવીને પ્રમુખ બનેલા મોહમ્મદ મુઈઝ્ઝુએ ભારત અને માલદિવ્સના વિવાદ વચ્ચે ચીનના પાંચ દિવસના પ્રવાસેથી વતન પરત ફરતા ઝેર ઓક્યું છે. તેમણે કહ્યું કે, અમને ધમકાવવાનું લાઈસન્સ કોઈની પાસે નથી. માલદિવ્સની પ્રજા તેમના પ્રમુખને વિરોધી સલાહ આપતા કહે છે, ભારત સાથે શિંગડા ભેરવવાનું ભારે પડશે. કોરોનાની મુશ્કેલીમાંથી અર્થતંત્રને બહાર લાવવામાં ભારતે જ મદદ કરી હતી તેની પણ જનતાએ પ્રમુખને યાદ અપાવી છે.
ચીનના પાંચ દિવસના પ્રવાસેથી પરત ફરેલા માલદિવ્સના પ્રમુખ મોહમ્મદ મુઈઝ્ઝુએ શનિવારે જણાવ્યું હતું કે, અમે ભલે નાનો દેશ છીએ, પરંતુ તેનાથી કોઈને પણ અમને ધમકાવવાનું લાઈસન્સ નથી મળતું. જોકે, મુઈઝ્ઝુએ પ્રત્યક્ષ રીતે કોઈનું નામ લઈને આ નિવેદન નથી કર્યું, પરંતુ માનવામાં આવે છે કે તેમણે ભારતને નિશાન બનાવીને આ નિવેદન કર્યું છે.
ચીન સમર્થક માનવામાં આવતા પ્રમુખ મુઈઝ્ઝુ પાંચ દિવસના ચીનના પ્રવાસે હતા. આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વિપનો પ્રવાસ કરતાં ભારતીયોને બીચ પ્રવાસન માટે ઘરઆંગણાના લક્ષદ્વિપના ટાપુઓનો પ્રવાસ કરવા ભલામણ કરી હતી. પીએમ મોદીના આ નિવેદનથી નારાજ થયેલા માલદિવ્સના ત્રણ મંત્રીઓએ સોશિયલ મીડિયા પર ભારત અને પીએમ મોદી વિરુદ્ધ અપમાનજનક નિવેદન કર્યા હતા. આ નિવેદનોના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા અને ભારતીયોએ 'બોયકોટ માલદિવ્સ' અભિયાન ચલાવી મોટી સંખ્યામાં હોટેલ બૂકિંગ્સ અને ફ્લાઈટ ટિકિટ્સ રદ કરાવી દીધી હતી. આથી ગભરાઈ ગયેલી માલદિવ્સ સરકારે તાત્કાલિક અસરથી ત્રણેય મંત્રીઓની હકાલપટ્ટી કરી દીધી હતી. ભારતના બહિષ્કાર વચ્ચે પ્રમુખ મુઈઝ્ઝુએ ચીનને વધુ પ્રમાણમાં ચીની પ્રવાસીઓ માલદિવ્સ મોકલવા વિનંતી કરી હતી.
દરમિયાન પ્રવાસન ક્ષેત્ર પર નિર્ભર માલદિવ્સની જનતાએ પ્રમુખ મુઈઝ્ઝુને ભારત સાથે ઘર્ષણ નહીં વધારવા માટે સલાહ આપી છે. 'બોયકોટ માલદિવ્સ' અભિયાનથી નિરાશ માલદિવ્સના લોકો ભારતની સાથે તેમની પોતાની સરકાર પર પણ નિશાન સાધી રહ્યા છે. માલદીવિયન નેશનલ યુનિવર્સિટીની વિદ્યાર્થિની મરિયમ ઈમ શફિંગે જણાવ્યું કે, અમે ભારતીયો દ્વારા બહિષ્કારના આહ્વાનથી નિરાશ છીએ, પરંતુ અમને અમારી સરકારે વધુ નિરાશ કરી છે.
'ભારત ફર્સ્ટ' નીતિ માટે પ્રખ્યાત માલદિવીયન ડેમોક્રેટિક પાર્ટી સાથે સંકળાયેલ શફીગનું કહેવું છે કે તેમનો દેશ 'ભોજન, શિક્ષણ અને સ્વાસ્થ્ય સારવાર માટે ભારત પર નિર્ભર છે.' રાજકીય તિરાડ માલદિવ્સ માટે આર્થિક જોખમ ઊભું કરી શકે છે. આ સિવાય સાંસ્કૃતિક અને ભૂ-રાજકીય સંબંધો પર પણ ગંભીર અસર પડી શકે છે. ભારત માલદિવ્સનું રણનીતિક વિશ્વસનીય સહયોગી છે. કોરોના મહામારીમાં માલદિવ્સનું અર્થતંત્ર મુશ્કેલીમાં મુકાયું હતું ત્યારે ભારતે જ તેને મદદ કરી હતી. વર્ષ ૨૦૨૨માં તેની કુલ આયાતમાં ભારતનો હિસ્સો ૧૪ ટકાથી વધુ હતો. આઈએમએફના આંકડા મુજબ ભારતની માલદિવ્સમાં નિકાસ ૨૦૧૪માં ૧૭૦.૫૯ મિલિયન ડોલરથી વધીને ૨૦૨૨માં ૪૯૬.૪૨ મિલિયન ડોલર થઈ ગઈ છે. એટલે કે ભારતમાંથી તેની આયાતમાં ૫૬ ટકાનો વધારો થયો છે.