મારી નજર સામે ચૂંટણીમાં ચીટિંગ થઈ, હારેલાને 50 હજાર મતે જીતાડી દીધો, મને ફાંસી આપી દો...
પાકિસ્તાનના રાવલપિંડી ડિવિઝનના કમિશનર લિયાકત અલી ચટ્ટાએ આક્રોશ વ્યક્ત કરી રાજીનામું આપી દીધું
Rigging In Pakistan Election: પાકિસ્તાનની ચૂંટણીમાં ગોટાળાના આક્ષેપો સાચા હતા. ચૂંટણીમાં ફરજ બજાવી રહેલા એક ઉચ્ચ પોલીસ અધિકારીએ આ વાત કહી હતી. રાવલપિંડી ડિવિઝનના કમિશનર લિયાકત અલી ચટ્ટાએ લોકો સાથે અન્યાય કર્યો હોવાનું કહીને રાજીનામું આપ્યું હતું. તેમણે કબૂલ્યું હતું કે, મારી નજર સામે ચૂંટણીમાં ચીટિંગ થયું હતું, મે હારેલાને 50 હજાર મતોના માર્જિનથી વિજેતા બનાવી દીધા. દેશ સાથે અન્યાય કર્યો છે. મને રાવલપિંડીના કચેરી ચોકમાં ફાંસી આપી દો.'
પાકિસ્તાનમાં ખળભળાટ મચ્યો
પાકિસ્તાની મીડિયાના અહેવાલ અનુસાર, સામાન્ય ચૂંટણીમાં ખંડિત જનાદેશ બાદ પાકિસ્તાનમાં સંઘીય સરકારની રચના અંગેના વિવાદ વચ્ચે રાવલપિંડી ડિવિઝનના કમિશનર લિયાકત અલી ચટ્ટાએ ચૂંટણીમાં ગોટાળા થયાના આરોપો સ્વીકાર્યા હતા. જે બાદ પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. જેલમાં બંધ પૂર્વ પીએમ ઈમરાન ખાન શરૂઆતથી જ પાકિસ્તાનની ચૂંટણીમાં ગોટાળા થયાનું કહી રહ્યા છે.
ચૂંટણીમાં ગોટાળા મામલે કમિશનરે માફી માગી
ચૂંટણીમાં ગોટાળા મામલે માફી માગતા લિયાકત અલીએ કહ્યું, "હું મારા ડિવિઝનના રિટર્નિંગ અધિકારીઓની માફી માગુ છું.મે દેશ સાથે અન્યાય કર્યો છે. મને રાવલપિંડીના કચેરી ચોકમાં ફાંસી આપવી જોઈએ.' આ દરમિયાન પંજાબ સરકારે વરિષ્ઠ અધિકારી દ્વારા ચૂંટણી ગોટાળા ના આરોપોને ફગાવી દીધા છે.
પાકિસ્તાનના કાર્યકારી માહિતી મંત્રી અમીર મીરે કહ્યું કે, 'આ ન તો કોઈ ખુલાસો છે અને ન તો ગુનાની કબૂલાત છે, પરંતુ તે ચૂંટણીની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડવાનો દાવો અને આરોપ છે.'