પાંચ દિવસથી દીકરાનો મૃતદેહ પણ જોઈ શકી નથી એલેક્સીની માતા, પુતિનને કરી આજીજી
image : Twitter
મોસ્કો,તા.21 ફેબ્રુઆરી 2024,બુધવાર
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના પ્રખર રાજકીય વિરોધી અને વિપક્ષી નેતા એલેક્સી નવલનીનુ રહસ્યમસ સંજોગોમાં મોતને પાંચ દિવસ થઈ ગયા છે પણ નવલનીના વૃધ્ધ માતા હજી સુધી પોતાના દીકરાનો મૃતદેહ સુધ્ધા જોઈ શક્યા નથી.
નવલનીના માતા લ્યૂડમિલા નવલનાયા પુતિનને રોજ પોતાના પુત્રનો મૃતદેહ સોંપવા માટે આજીજી કરી રહી છે પણ પુતિનનુ દિલ પીગળી રહ્યુ નથી.
નવલનીની માતાએ ફરી એક વખત પુતિનને અપીલ કરીને કહ્યુ છે કે, મારા દીકરાની લાશ મને આપી દો. પાંચમા દિવસે પણ હું મારા મરેલા દીકરાનુ મોઢુ જોઈ શકી નથી. મને સરકારના અધિકારીઓ એવુ પણ જણાવી નથી રહયા કે નવલનીના મૃતદેહને ક્યાં રાખવામાં આવ્યો છે.
નવલનીના માતા લ્યૂડમિલા હાલમાં એ વિસ્તારમાં છે જ્યાંની જેલમાં નવલનીનુ મોત થયુ હતુ. અહીંથી તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વિડિયોમાં પુતિનને સંબોધીને કહ્યુ હતુ કે, હું તમને અપીલ કરુ છું કે મારા દીકરાના મૃતદેહને જોવા માટે મને પરવાનગી અપાવો. તમે જ આ કામ કરી શકશો. મારા દીકરાનો મૃતદેહ મને પાછો આપવામાં આવે. જેથી હું સન્માનપૂર્વક તેની અંતિમ વિધિ કરી શકું.
દરમિયાન નવલનીની ટીમનુ કહેવુ છે કે, રશિયન અધિકારીઓ નવલનીના મોતનુ કારણ પણ હજી સુધી જણાવી શક્યા નથી અને કહી રહ્યા છે કે, હાલમાં તપાસ ચાલુ હોવાથી બે સપ્તાહ સુધી મૃતદેહ પાછો આપવાનુ શક્ય નથી.
ઉલ્લેખનીય છે કે, નવલનીના પત્ની તો નવલનીને ઝેર આપીને મોતને ઘાટ ઉતારાયા હોવાનો આક્ષેપ કરી ચુકયા છે. યૂલિયાએ કહ્યુ હતુ કે, આઝાદ રશિયા માટે મારી લડાઈ ચાલુ રહેશે. રશિયાના અધિકારીઓ મારા પતિના મૃતદેહને સંતાડી રહ્યા છે અને તેમને અપાયેલા ઝેરના નિશાન શરીરમાંથી દૂર કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે. એલેક્સીને નોવિચોક નામનુ ઝેર આપવામાં આવ્યુ હતુ. જે એક પ્રકારનુ નર્વ એજન્ટ છે. પુતિન કાયર છે અને મારા પતિના મૃતદેહને સંતાડી રહ્યા છે.