VIDEO: લેબેનોનમાં સીરિયલ બ્લાસ્ટ, 10 મોત, 2800થી વધુને ઈજા; હિઝબુલ્લાનો ઈઝરાયલ પર આક્ષેપ
Lebanon Pagers Blast : લેબેનોન રાજધાની બેરૂત, દમાસ્કસ સહિત અનેક વિસ્તારોમાં વિસ્ફોટો થયા છે. મળતા અહેવાલો મુજબ એક કલાકની અંદર એક પછી એક પેજર વિસ્ફોટ થતા 2800થી વધુ લોકો ઈજાગ્રસ્ત અને 10 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ હિઝબુલ્લાએ તેના સભ્યોને પેજરનો ઉપયોગ ન કરવાનો આદેશ આપ્યો છે. ઈરાનની મેહર સમાચાર એજન્સીના અહેવાલ મુજબ ઈરાનના રાજદૂત મોજીતબા અમાની પણ ઈજાગ્રસ્ત થયા છે. હિઝબુલ્લાએ આ વિસ્ફોટ પાછળ ઈઝરાયલ પર આક્ષેપ કર્યો છે. વિસ્ફોટો પાછળ ડિવાઈસ હેકિંગ અને ઈઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદ અને પેજર ડિવાઈસ બનાવતી કંપની વચ્ચે સાંઠગાંઠનો પણ દાવાઓ કરવામાં આવી રહ્યા છે.
દક્ષિણ લેબેનોન અને બેરૂત સહિત ઘણા સ્થળો પર સીરિયલ બ્લાસ્ટ
લેબેનોનથી મળતા અહેવાલો મુજબ, દક્ષિણ લેબેનોન અને રાજધાની બેરૂત, દમાસ્કસ સહિત ઘણા સ્થળો પર સીરિયલ બ્લાસ્ટ થયા છે, જેમાં હિઝબુલ્લાના અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ વિસ્ફોટમાં કેટલાક લોકોના મોત થયા, તેની હજુ કોઈ વિગતો સામે આવી નથી. એવું કહેવાય છે કે, કોમ્યુનિકેશન માટે પેજરનો ઉપયોગ કરી રહ્યા હતા અને તે તમામ પેજરમાં એક સાથે બ્લાસ્ટ કરવામાં આવ્યો.
હિઝબુલ્લાના તમામ સભ્યોને પેજર કાઢી નાખવા સૂચના
હિઝબુલ્લાહે તેના તમામ સભ્યોને તેમના પેજર તાત્કાલિક કાઢી નાખવા સૂચના આપી છે. આ ઘટનાને ગુપ્તચર તંત્રના ઈતિહાસની સૌથી ગંભીર ચૂક તરીકે જોવામાં આવી રહી છે. એવું કહેવાય છે કે, સ્થાનિક સમય મુજબ આ ઘટના 3.45 કલાકે થઈ હતી અને એક પછી એક બ્લાસ્ટ થયા હતા. અનેક સ્થળે વિસ્ફોટો થયા બાદ ભારે અફરાતફરી મચી છે.
પેજરમાં કેવી રીતે વિસ્ફોટ કરાયા, કારણ અકબંધ
એવા અહેવાલ સામે આવ્યા છે કે, લગભગ એક કલાક સુધી અનેક સ્થળોએ પેજર વિસ્ફોટ થયા હતા. આ ઉપકરણમાં કેવી રીતે વિસ્ફોટ કરવામાં આવ્યો, તેનું કારણ હજુ સામે આવ્યું નથી.
દક્ષિણ લેબેનોન સ્થિત હોસ્પિટલના વડા હસન વાઝનીએ જણાવ્યું કે, લગભગ 40 ઈજાગ્રસ્તોની સારવાર કરવામાં આવી રહી છે. આ લોકોને ચહેરા, આંખો અને અંગો પર ઇજાઓ સામેલ છે.
લેબેનોનના આંતરિક સુરક્ષા દળોએ જણાવ્યું કે, સમગ્ર લેબેનોનમાં ખાસ કરીને બેરૂતના દક્ષિણ ઉપનગરોમાં સંખ્યાબંધ વાયરલેસ સંચાર ઉપકરણોને વિસ્ફોટ કારાયા છે.
લેબેનોનના રેડ ક્રોસે જણાવ્યું કે, પીડિતોને હોસ્પિટલ ખસેડવા માટે 50થી વધુ એમ્બ્યુલન્સ અને 300 ઇમરજન્સી મેડિકલ સ્ટાફને રવાના કરવામાં આવ્યા છે.