લેબેનોનમાં પેજર-વૉકી ટોકી બ્લાસ્ટમાં 32નાં મોત, 95 લોકોને ઈરાન એરલિફ્ટ કરવાની ફરજ પડી
Lebanon Pager-Walkie Talkie Blast: લેબેનોનમાં 17 સપ્ટેમ્બર પેજર સીરિયલ બ્લાસ્ટ તો ગઈકાલે (18 સપ્ટેમ્બર) મોબાઈલ, લેપટોપ, વૉકી-ટોકીઝ સહિતના અનેક વાયરલેસ ડિવાઈસમાં વિસ્ફોટો થયા બાદ ભારે ખૂંવારી સર્જાઈ છે.
આ બીજી શ્રેણીના વિસ્ફોટોમાં લેબનોનના 20 લોકોના મોત થયા છે. તેમજ 450 થી વધુ લોકો ઘાયલ થયા છે. મોટાભાગના વિસ્ફોટો ત્યારે થયા જ્યારે હિઝબુલ્લાહ કમાન્ડરો આ ઉપકરણોને તેમના હાથમાં પકડી રાખતા હતા. હિઝબુલ્લાહે 5 મહિના પહેલા જ તે ખરીદ્યા હતા. પેજર અને વોકી ટોકી બ્લાસ્ટ બાદ અત્યાર સુધીમાં 32 લોકોના મોત થયા છે.
આ હુમલામાં અત્યાર સુધીમાં કુલ 32 લોકોના મોત
17 સપ્ટેમ્બરે લેબેનોન અને સીરિયાના ઘણા શહેરોમાં એક સાથે એક જ કલાકમાં સેંકડો પેજર બ્લાસ્ટ થયા હતા. એમાં 12 લોકોના મોત થયા હતા અને 4000થી વધુ લોકો ઘાયલ થયા હતા. હિઝબુલ્લાએ આ પેજર હુમલા માટે ઈઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદને જવાબદાર ઠેરવી છે.
95 લોકોને લેબેનોનથી ઈરાન એરલિફ્ટ કરવામાં આવ્યા
ઈરાનની સરકારી સમાચાર એજન્સી અનુસાર, લેબેનોનમાંથી 95 લોકોને સારવાર માટે ઈરાન મોકલવામાં આવ્યા છે. રેડ ક્રેસન્ટ સોસાયટીના વડાએ જણાવ્યું હતું કે આ અઠવાડિયે લેબેનોનમાં વિસ્ફોટમાં ઘાયલ થયેલા 95 લોકોને વધુ સારવાર માટે ઈરાન લઈ જવામાં આવ્યા છે. ઈરાની આઉટલેટ્સ પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં લોકોને સ્ટ્રેચર પર વિમાનમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાં તેમના માથા અને આંખો પર પટ્ટી બાંધવામાં આવી હતી.
આ પણ વાંચો: હજુ તો શરૂઆત છે, હિઝબુલ્લાહે ભારે કિંમત ચૂકવવી પડશે...' ઈઝરાયલની નવી ધમકીથી હડકંપ
વિસ્ફોટ વિશે અગાઉ કોઈ માહિતી ન હતી: તાઈવાન
તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે એ વાતને નકારી કાઢી છે કે તેમને લેબેનોનમાં થયેલા વિસ્ફોટ વિશે અગાઉથી જાણકારી હતી. સીએનએનનો દાવો છે કે પેજર બ્લાસ્ટ ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદ અને ઈઝરાયેલની સેનાએ સંયુક્ત રીતે કર્યો હતો. ઇઝરાયલે તેને સ્વીકાર્યું નથી, પરંતુ તેમાં તેની સંડોવણીનો ઇનકાર પણ કર્યો નથી. પેજર બ્લાસ્ટ પછી પેજર પર તાઈવાની કંપની ગોલ્ડ એપોલોના લેબલ જોવા મળ્યા હતા. જ્યારે તાઈવાનને આ વિષે પૂછવામાં આવ્યું કે શું ઈઝરાયેલે તાઈવાનને હુમલા અંગે અગાઉથી જાણ કરી હતી. તેના પર તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે આ બ્લાસ્ટ અંગે અગાઉથી કોઈ જ માહિતી ન હોવાનું જણાવ્યું હતું.
ઇઝરાયેલે હિઝબુલ્લાહ પર હુમલો કર્યો
લેબેનોનમાં ચાલી રહેલા પેજર-વૉકી ટોકી વિસ્ફોટો વચ્ચે, ઇઝરાયેલી સુરક્ષા દળોએ હિઝબુલ્લાહના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવાનો દાવો કર્યો છે. લગભગ 20 રોકેટ્સ લેબેનોનથી ઇઝરાયેલના ઉત્તરીય પ્રદેશને પાર કરતા જણાયા બાદ આ હુમલા કરવામાં આવ્યા હતા. IDF એ કેટલાક રોકેટ્સને અટકાવ્યા. આમાં કોઈને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી.