અનેક વિસ્ફોટો બાદ લેબેનોનમાં એડવાઈઝરી જાહેર, ભારે ખુવારીથી ચોતરફ માત્ર એમ્બ્યુલન્સનો અવાજ
Lebanon Government Advisory: લેબેનોનમાં મંગળવારે પેજર સીરિયલ બ્લાસ્ટ બાદ બુધવારે અનેક સ્થળે મોબાઈલ, લેપટોપ, વોકી-ટોકીઝ સહિતના વાયરલેસ ડિવાઇસમાં અચાનક બ્લાસ્ટ થયા હતા. જેમાં 300થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને 9 લોકોના મોત થયા છે. મૃતકોનો આંકડો હજુ વધવાની સંભાવના છે. આ ઘટનામાં ભારે ખૂંવારી થઇ છે અને સમગ્ર દેશમાં માત્ર એમ્બ્યુલન્સનો અવાજ જ ગુંજી રહ્યો છે. આ ઘટનાઓ બાદ લેબેનોન સરકારે તેના નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી છે અને લોકોને ઇલેક્ટ્રોનિક ડિવાઇસથી દૂર રહેવા જણાવ્યું છે.
લેબેનોન સરકારે જાહેર કરી એડવાઇઝરી
લેબેનોનમાં થઇ રહેલા સિરિયલ બ્લાસ્ટની ઘટનાઓ વચ્ચે સરકારે તેના નાગરિકોની સુરક્ષા માટે એડવાઇઝરી બહાર પાડી છે. સરકારે લોકોને ઈલેક્ટ્રોનિક ઉપકરણોથી દૂર રહેવાની અપીલ કરી છે અને કહ્યું છે કે, 'જો કોઈ વ્યક્તિ પાસે પેજર, રેડિયો અથવા અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો હોય તો તરત તેમને પોતાનાથી દૂર કરી તાત્કાલિક સરકારને જાણ કરવી.' જણાવી દઈએ કે, બુધવારે બ્લાસ્ટ થયેલા તમામ ડિવાઇસ 5 મહિના પહેલાં ખરીદાયા હતા.
આ પણ વાંચોઃ લેબેનોનમાં વાયરલેસ ડિવાઈસથી ફરી અનેક વિસ્ફોટ, હિઝબુલ્લાહે ઈઝરાયલ પર ઝીંકી મિસાઇલો
ચોતરફ માત્ર એમ્બ્યુલન્સનો અવાજ
મીડિયા અહેવાલ મુજબ, ચાલતી કારોમાં રેડિયો અને ઘરોમાં લાગેલા સોલાર ઉર્જા ઉપકરણોમાં પણ વિસ્ફોટની ઘટના સામે આવી છે. જે પછી શહેરમાં ચોતરફ માત્ર એમ્બ્યુલન્સના સાયરનોની અવાજ જ સંભળાઈ રહી છે. લેબનાનમાં મોટા ભાગના એવા ઉપકરણોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જે હાથમાં પકડવામાં આવે છે. આ હુમલો ત્યારે થયો હતો જ્યારે પેજર હુમલામાં મૃત્યુ પામનાર લેબેનોન લડાકુઓના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા.
હિઝબુલ્લાહનો પલટવાર, 20 મિસાઇલો છોડી
લેબેનોનમાં સિરિયલ બ્લાસ્ટ બાદ હિઝબુલ્લાહે ઇઝરાયલ પર પલટવાર શરુ કર્યો છે. મીડિયા અહેવાલ અનુસાર, હિઝબુલ્લાહે ઇઝરાયલના કિરયાત શિમોન પર 20 મિસાઇલો છોડી હતી. જો કે, ઈઝરાયેલી સેનાએ કેટલીક મિસાઇલોને નિષ્ક્રિય કરી દીધી હતી, જ્યારે કેટલીક મિસાઇલો ટાર્ગેટ પર પહોંચી બ્લાસ્ટ થઇ હતી. જો કે, હજુ સુધી આ હુમલાના કારણે કોઇના ઘાયલ થવાની જાણકારી સામે આવી નથી.
ઈઝરાયલે તૈયારીઓ શરુ કરી
બીજી તરફ, ઈઝરાયલના આર્મી ચીફ ઓફ સ્ટાફ જનરલે વરિષ્ઠ સૈન્ય કમાન્ડરો સાથે બેઠક યોજી હતી. તેમણે ઝડપથી હુમલા અને સંરક્ષણ માટેની તૈયારીઓની જાણકારી મેળવી હતી. નાગરિકોને જાગૃત રહેવાનું કહેવામાં આવ્યું છે. ઇઝરાયલે IDF(Israel Defense Forces)ની 20,000 સૈનિકો ધરાવતી 98મી ડિવિઝનને લેબેનોનની બોર્ડર પર તહેનાત કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત પેરાટ્રૂપર્સને પણ ઉત્તર ઈઝરાયલમાં તહેનાત કરાયા છે.
કોઈના ખિસ્સા તો કોઈના હાથમાં..કલાક સુધી પેજર થયા હતા બ્લાસ્ટ
ગઈકાલે પેજર્સમાં સિરિયલ બ્લાસ્ટના કારણે લેબનન અને સીરિયાની સરહદે આવેલા કેટલાક વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ છે. આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે જ્યારે 4000થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોમાં લેબેનોનમાં ઈરાનના રાજદૂતનો પણ સમાવેશ થાય છે.