છેલ્લા 15 દિવસ : અમેરિકાની ચૂંટણી સંપન્ન થશે આ ચૂંટણી વૈશ્વિક પરિસ્થિતિ બદલી પણ શકે
- અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી તો દર 4 વર્ષે થાય છે, પરંતુ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં આ ચૂંટણીને અત્યંત મહત્ત્વની બનાવી રહે તેમ છે
વૉશિંગ્ટન : અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી આડે ૧૫ દિવસ બાકી રહ્યાં છે, તેવે સમયે આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ એનેલીસિસ ઇન્ટરવ્યૂઝ વગેરેના આધારે વિશ્લેષણ કરીએ. કારણ તે છે કે અમેરિકામાં દર ચાર વર્ષે પ્રમુખપદની ચૂંટણી તો યોજાય જ છે. આ પૂર્વેની ઘણી ચૂંટણીઓને વિશ્વમાં ઘણી બધી અસર પણ કરી છે, તે સ્વીકારી લઈએ તો પણ વર્તમાન વૈશ્વિક તંગ પરિસ્થિતિ જોતાં આ ચૂંટણી અતિ મહત્ત્વની બની રહે છે.
કેટલાંક વિશ્લેષકો તો આ ચૂંટણીને ૧૯૧૪નાં પ્રથમ વિશ્વયુદ્ધ સમયની અને તે પછી સ્થપાયેલાં લીગ ઓફ નેશન્સ સમયની ચૂંટણી સામે તો બીજી તરફ દ્વિતીય વિશ્વયુદ્ધ સમયની ફ્રેન્કલીન ડીવાનો રૂઝવેલ્ટની ચૂંટણી સામે સરખાવી રહ્યાં છે.
કમલા હેરિસની ઉમેદવારી અત્યંત મહત્ત્વની ગણાય છે. આ આફ્રિકન-એશિયન મહિલા આ વખતે વિજયી થવાની સંભાવના દેખાઈ રહી છે. પરંતુ આ ચૂંટણીમાં ખરો ખેલ તો ડૉનાલ્ડ ટ્રમ્પની ઉમેદવારી પાડી દે તેમ છે. તેઓ જો વિજયી થશે તો તેઓ અને તેઓએ પસંદ કરેલી તેઓની ટીમ (કેબિનેટ), અમેરિકાની રાજકીય ગતિવિધિમાં તો પલટો લાવી જ દેશે, પરંતુ તે સાથે અંતરરાષ્ટ્રીય રાજકારણમાં પણ આમૂલ પરિવર્તન કરી દે, તેવી સંભાવના પણ નિરીક્ષકો જોઈ રહ્યાં છે. તેઓની અમેરિકાની ફર્સ્ટ નીતિ રાષ્ટ્રીય રૂઢીચુસ્તવાદને પ્રબળ કરશે. આંતરરાષ્ટ્રીય રાજકીય સીસ્ટીમ ઉપર અસર કરશે જ, જેના પરિણામે વૈશ્વિક અર્થતંત્ર ઉપર પણ ઘેરી અસર પડવા સંભવ છે. તેઓનો રાષ્ટ્રીય ''રૂઢીચુસ્તવાદ'' હજી સુધી અમેરિકાએ જોયેલા રૂઢીચુસ્તવાદ પૈકીનો તદ્દન નવો જ રૂઢીચૂસ્તવાદ બની રહેવા સંભવન છે. સંભવ તે પણ છે કે, પ્રથમ વિશ્વયુદ્ધનાં પ્રારંભનાં વર્ષો પછી અમેરિકાએ હાથ ધરેલી વૈશ્વિક પ્રસાર નીતિ સંકોચાઈ પણ જાય તેઓની યુક્રેન-યુદ્ધ પ્રત્યેની ઉદાસિનતા, છતાં બીજી તરફ મધ્યપૂર્વ યુદ્ધ પ્રત્યેની કટ્ટરતા, ત્રીજી તરફ તાઈવાન સંઘર્ષ પ્રત્યેનો તેઓનો અભિગમ, વિશ્વરાજકારણમાં વમળો ઉપસ્થિત કરી શકે તેમ છે.
સહજ છે કે વિશ્વની આ સૌથી સબળ અને સૌથી સમૃદ્ધ સત્તાનાં પ્રમુખપદની ચૂંટણી ઉપર વિશ્વના તમામ દેશોની રાજકારણીઓ, રાજ્ય શાસ્ત્રીઓ, અર્થશાસ્ત્રીઓ અને લશ્કરી નિષ્ણાંતો તથા વિશ્વના બુદ્ધિજીવીઓની બાજ નજર ખોડાઈ રહે. રાહ જોઈએ ૫મી નવેમ્બરની તે પછી પલટાતી વિશ્વ પરિસ્થિતિ અંગેની.