કેનેડાનાં સરે શહેરમાં ખાલીસ્તાની એક્ટિવિસ્ટનાં ઘરમાંથી શસ્ત્રોનો વિશાળ જથ્થો પકડાયો
- હત્યા કરાયેલા ખાલીસ્તાનવાદી હરદીપ સિંઘ નિજ્જરના સાથી હરજિત સિંઘ પત્તરનાં ઘરમાંથી બંદૂકો, તલવારો, ભાલાં મળી આવ્યાં
ટોરન્ટો : કેનેડાની પોલીસે બ્રિટિશ કોલંબિયામાં આવેલા સરે શહેરમાં ખાલીસ્તાની એક્ટિવિસ્ટ હરજિત સિંઘ પત્તરનાં ઘરમાંથી બંદૂકો, તલવારો અને ભાલાંઓનો મોટો જથ્થો હાથ કર્યો છે. પહેલાં તો તે ઘરના વિડીયોમાં ઝડપાયેલી તસ્વીરો પરથી પોલીસ તે મકાનના માલિકની ઓળખ મેળવી શકી ન હતી. પરંતુ પછીથી સ્પષ્ટ ઓળખ મળી ગઈ.
સોશ્યલ મીડીયા એકાઉન્ટ ઉપર તેનું નામ હરજીત સિંઘ પત્તર હોવાનું જાણવા મળ્યું હતું. તે હત્યા કરાયેલા ખાલીસ્તાનવાદી હરદીપ સિંઘ નિજ્જરનો નિકટવર્તી હતો. નિજ્જરની ગત વર્ષના જૂનની ૧૮મી તારીખે સરે સ્થિત એક ગુરૂદ્વારામાં જતાં તેના જૂના વિરોધીએ હત્યા કરી હતી તે સર્વવિદિત છે.
આ હરજિત સિંઘ પત્તરની ઓળખ તેના પુત્રની સગાઈ સમયે લેવાયો વિડીયો ઉપરથી પાકી થઇ ગઈ છે.
કેનેડાનાં વિખ્યાત રોયલ કેનેડીયન માઉન્ટેડ પોલીસે પ્રસિદ્ધ કરેલી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ગુરૂવારે સવારે તેને એક ઓનલાઈન વિડીયો જોવા મળ્યો હતો. તેમાં બંદૂકો હાથમાં લઇ નાચતા લોકોનું જૂથ જોવા મળ્યું હતું. આ પછી આર.સી.એમ.પી. સરેનાં સાઉથ કોમ્યુનિટી રીસ્પોન્સ યુનિટ (એસ.સી.આર.યુ.)એ તપાસ શરૂ કરી આ વિડીયો ક્યાં ઉતારવામાં આવ્યો છે તે નિશ્ચિત રીતે જાણી લીધું. હવે તે વ્યક્તિ (હરજિત પત્તર) ઉપર ક્રીમીનલ કોડ ઇન્વેસ્ટિગેશન શરૂ કરાયું છે, તેમજ તે મકાનના માલિકનો ગુરૂવારે સાંજે આશરે ૫.૩૦ કલાકે પત્તો મેળવી તેનાં મકાનમાંથી કેટલીક બંદૂકો, તલવારો અને ભાલાં મળી આવ્યાં છે.
આ ઘણી ગંભીર બાબત છે તેમ કહેતાં, હાર્મ-ડોસેન્જના સુપ્રિન્ટેડન્ટે કહ્યું હતું કે સમગ્ર સમાજ માટે પણ ભયાવહ છે. જનતાની સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમારા અધિકારીઓએ તે શસ્ત્રો તુર્તુજ જપ્ત કર્યા હતાં.
આ સાથે તેવી પણ માહિતી મળી છે કે સરે સહિતના લોઅર મેઇન લેન્ડ રીજીયનમાંથી ખાલીસ્તાન તરફી તત્ત્વો પાસેથી કેનેડાની વિવિધ સલામતી સંસ્થાઓએ કેટલાંયે શસ્ત્રો હાથ કર્યાં છે.