અતિભારે વરસાદ બાદ પર્વતો આફત બન્યાં, આ દેશમાં ભયાનક ભૂસ્ખલનમાં દટાઈ જતાં 160 લોકોનાં મોત
ભૂસ્ખલનથી દબાઈ ગયેલાઓમાં મોટા ભાગે મહિલાઓ અને બાળકો, બચી ગયેલાં બાળકો માતા-પિતાના મૃતદેહોને વળગી રડી રહ્યાં હતાં
અદીસ અબાબા : આફ્રિકાના પૂર્વ ઉત્તર ભાગમાં આવેલા ઇથોપિયાને છેલ્લા કેટલાએ દિવસોથી ભારેથી અતિભારે વરસાદ ઘમરોળી રહ્યો છે. પરિણામે ઘણે ઠેકાણે ભૂસ્ખલનો થઇ રહ્યાં છે. આ પૈકી દક્ષિણ ઇથોપિયામાં આવેલા કેન્ચોશાયા ગોઝડી જિલ્લામાં અતિભારે વરસાદને લીધે થયેલાં ભૂસ્ખલનમાં 160 લોકો દટાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. દટાઈ ગયેલાઓમાં મોટા ભાગે નાનાં બાળકો અને સગર્ભા મહિલાઓ હોવાનું સ્થાનિક વહીવટદારે જણાવ્યું હતું.
સોમવારથી હાથ ધરાયેલી બચાવ કામગીરી સમયે મૃત્યુઆંક ૫૫નો નોંધાયો હતો. પરંતુ બચાવકાર્ય આગળ વધતું ગયું તેમ આંક વધતો ગયો. મંગળવારે મૃત્યુઆંક વધીને 160 પહોંચ્યો છે તેમ ગોફી ઝોનના સંચાર વિભાગના વડા કાસાહજી અબાપીનેરે જણાવ્યું હતું. જો કે બચાવ કામગીરી દરમિયાન પાંચ વ્યક્તિઓને કાદવમાંથી બહાર કાઢી બચાવી લેવામાં આવી હતી.
આ અધિકારીએ વધુમાં કહ્યું હતું કે ભારે વરસાદને લીધે, ભૂસ્ખલનો થવાં સામાન્ય છે. પરંતુ આ ભૂસ્ખલન તો અતિભારે હતું તેમાં બાળકો, તેમનાં માતા-પિતાના મૃતદેહોને વળગી રડી રહ્યાં હતાં. તે જોઇને હૃદય દ્રવી જાય તે સહજ છે.