અફઘાનિસ્તાનના નૂરિસ્તાનમાં ભયંકર લેન્ડસ્લાઈડ, ઝપેટમાં આવ્યા 20 ઘર, 25ના મોત
Landslide in Afghanistan : અફઘાનિસ્તાનના નૂરિસ્તાન વિસ્તારમાં લેન્ડસ્લાઈડની ઘટના બની હતી. જેમાં અંદાજિત 25 લોકોના મોત થયા છે. આ સિવાય નૂરગારામ જિલ્લામાં ભૂસ્ખલનના કારણે અંદાજિત 10 લોકોના ઈજાગ્રસ્ત થવાના પણ સમાચાર છે. માહિતી અને સંદેશાવ્યવહારના વડા મોહમ્મદ અબ્દુલ્લા જાને આ ઘટના અંગે માહિતી આપતા કહ્યું કે, નૂરગારામ જિલ્લાના નકરાહ ગામમાં ભારે વરસાદના કારણે અનેક પહાડો પર લેન્ડસ્લાઈડ થઈ ગઈ છે. જેના કારણે જાનમાલનું મોટાપાયે નુકસાન થયું છે. આ કુદરતી આફતની ઝપેટમાં અંદાજિત 15 થી 20 ઘર આવ્યા છે.
વધુમાં તેમણે માહિતી આપતા જણાવ્યું કે, હાલમાં આવેલા વરસાદના કારણે નૂરિસ્તાન, કુનાર અને પંજશીર વિસ્તારોના રસ્તા ક્ષતિગ્રસ્ત થયા છે.
ખામા પ્રેસના ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રાલય દ્વારા જણાવાયું છે કે, પંજશીર પ્રાંતમાં હિમપ્રપાત થયો હોવાના અહેવાલ છે. તેની ઝપેટમાં આવવાથી અંદાજિત 5 જેટલા કર્મચારીઓ ગુમ થઈ ગયા છે.