ચીનના કટ્ટર વિરોધી લાઇ ચિંગ તાઇવાનના નવા રાષ્ટ્રપતિ
- વિરોધી નેતાને પસંદ ના કરવાની ચીનની ધમકીને તાઇવાનની જનતાનો જડબાતોડ જવાબ
- વિરોધી નેતાના હાથમાં સત્તા જતા છંછેડાયેલા ચીને તાઇવાનની આસપાસ આઠ યુદ્ધ વિમાનો અને છ યુદ્ધ જહાજ તૈનાત કર્યાના અહેવાલ
- ફરી અમને સત્તા સોંપીને તાઇવાનની જનતાએ વિશ્વને મજબુત લોકશાહીનો સંદેશો આપ્યો : રાષ્ટ્રપતિ લાઇ ચિંગ
- કોલસાની ખાણમાં કામ કરતા મજૂરના પુત્ર લાઇ ચિંગ હાર્વર્ડમાં અભ્યાસ કરી ચુક્યા છે, 90ના દસકામાં રાજકારણમાં પ્રવેશ્યા હતા
- ચૂંટણી પહેલા ચીને તાઇવાનના નવા રાષ્ટ્રપતિ લાઇ ચિંગને ગદ્દાર અને કટ્ટર અલગતાવાદી જાહેર કર્યા હતા
તાઇપે : તાઇવાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઇ હતી, આ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ ચીનના કટ્ટર વિરોધી સત્તાધારી પક્ષ ડીપીપીની જીત થઇ છે. અને ચીનને આડેહાથ લેનારા લાઇ ચિંગ તે તાઇવાનના નવા રાષ્ટ્રપતિ બનવા જઇ રહ્યા છે. સતત ત્રીજી વખત તેમના પક્ષે તાઇવાનમાં સત્તા પ્રાપ્ત કરી છે. ચીન વારંવાર તાઇવાન પર હુમલાની ધમકી આપતુ રહ્યું છે. આ ચૂંટણી પૂર્વે જ ચીને તાઇવાનની જનતાને ચીન વિરોધી નેતાને પસંદ ના કરવાની ધમકી પણ આપી હતી. જોકે તાઇવાનની જનતા આ ધમકીને ઘોળીને પી ગઇ અને ડ્રેગનને પડકાર ફેકવા તેના વિરોધી નેતાને દેશની કમાન સોંપી છે.
તાઇવાનના રાષ્ટ્રપતિ બનવા જઇ રહેલા લાઇ ચિંગ તેને ૫૦ લાખથી વધુ મત મળ્યા હતા. સાથે જ ૪૦ ટકાથી વધુ વોટશેર પણ પ્રાપ્ત કર્યા હતા. ચીનમાં તાઇવાનના રાષ્ટ્રપતિની ચૂંટણીની પણ અસર જોવા મળી હતી. ચીને આ ચૂંટણીને શાંતિ અને યુદ્ધ બન્નેમાંથી કોઇ એક વિકલ્પ પસંદ કરવા તરીકે દર્શાવી હતી. હવે તાઇવાનની જનતાએ કટ્ટર ચીન વિરોધી નેતાને સત્તાની કમાન સોંપી છે. જેને પગલે ચીન અને તાઇવાન વચ્ચે યુદ્ધની સ્થિતિ પેદા થઇ શકે છે. ચીને તાઇવાનની સરહદો આસપાસ અનેક વખત યુદ્ધાભ્યાસ કર્યા છે, ગયા વર્ષે તાઇવાનની સરહદમાં યુદ્ધ વિમાનો પણ ઘૂસાડયા હતા. લાઇ ચિંગ પોતાના પ્રચારમાં ચીનની દાદાગીરીનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે અગાઉ તેઓ અનેક વખત ચીનની જાહેરમાં ટીકા પણ કરી ચુક્યા છે.
તાઇવાનની જનતાએ ચીનની ધમકીઓને જડબાતોડ જવાબ આપીને એક મજબૂત ચીન વિરોધી નેતાને રાષ્ટ્રપતિ પદની કમાન સોપવાનું નક્કી કરીને જંગી બહુમતથી જીત અપાવી છે. જોકે તાઇવાનમાં ડ્રેગન વિરોધી પાર્ટીની જીતની અસર ચીનમાં શરૂ થઇ ગઇ છે. એક તરફ ચૂંટણીના પરીણામો જાહેર થયા જ્યારે બીજી તરફ ચીન દ્વારા અવળચંડાઇ પણ શરૂ કરી દેવામાં આવી છે. તાઇવાનના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તાઇવાનની સરહદ પાસે ચીનના આઠ યુદ્ધ વિમાનો અને છ જહાજ જોવા મળ્યા છે. શુક્રવારે અને રવિવારે તાઇવાનના સુરક્ષાદળોએ ચીનના આ યુદ્ધ જહાજો અને વિમાનને ટ્રેક કર્યા હતા. જેને પગલે ચીન ગમે ત્યારે તાઇવાન પર હુમલો કરે તેવી શક્યતાઓ છે.
તાઇવાનમાં ચીન વિરોધી ડીપીપી, ચીન સમર્થક કેએમટી અને ટીપીપી એમ ત્રણ પાર્ટીના નેતાઓ વચ્ચે ટક્કર જોવા મળી હતી. જોકે તાઇવાનની જનતાએ દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચીન વિરોધી નેતા લાઇ ચિંગને પસંદ કર્યા છે. જીત બાદ લાઇ ચિંગે ટ્વીટર પર જણાવ્યું હતું કે તાઇવાનની જનતાએ ફરી એક વખત વિશ્વને આપણી લોકશાહી માટેની કટિબદ્ધતાને ઉજાગર કરી બતાવી છે. ચીન તાઇવાન પર પોતાનો દાવો કરતુ રહ્યું છે, જેથી તે ગમે ત્યારે હુમલો પણ કરી શકે છે.
એવામાં તાઇવાનના નવા રાષ્ટ્રપતિ લાઇ ચિંગ સામે સૌથી મોટો પડકાર પોતાના દેશની રક્ષા કરવાનો રહેશે. તાઇવાનના તાઇપેના એક ગામમાં ૧૯૫૯માં એક કોલસાની ખામમાં કામ કરતા મજૂરના ઘરે લાઇ ચિંગનો જન્મ થયો હતો. બાળપણમાં જ લાઇ ચિંગે પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી, તેમની માતાએ લાઇનો ઉછેર કર્યો અને મહેનતથી તેમને હાર્વર્ડ યુનિ. સુધી પહોંચાડયા હતા. હાર્વર્ડમાં અભ્યાસ બાદ તાઇવાનમાં પરત ફર્યા બાદ તેમણે સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવા આપવાનું શરૂ કર્યું, બાદમાં ૧૯૯૬માં તેઓએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને હવે તાઇવાનની કમાન સંભાળવા જઇ રહ્યા છે. ચીન તાઇવાનના નવા રાષ્ટ્રપતિને કટ્ટર અલગતાવાદી જાહેર કરી ચુક્યું છે. સાથે દાવો કર્યો છે કે લાઇ ચિંગ ચીન માટે ખતરનાક સાબિત થઇ શકે છે.