પાકિસ્તાનમાં હવે પ્રદૂષણનો કહેર, લાહોર દુનિયાનુ સૌથી પ્રદૂષિત શહેર, સરકારે ઈમરજન્સી લગાવી
image : twitter
ઈસ્લામાબાદ,તા.02 નવેમ્બર 2023,ગુરૂવાર
આર્થિક બદહાલી સામે ઝઝૂમી રહેલા પાડોશી દેશ પાકિસ્તાનમાં હવે પ્રદૂષણ હાહાકાર મચાવી રહ્યુ છે. પાકિસ્તાનનુ લાહોર શહેર દુનિયાનુ સૌથી પ્રદૂષિત શહેર જાહેર થયા બાદ સરકારે અહીંયા ઈમરજન્સી લગાવવી પડી છે.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે બુધવારે આખા રાજ્યમાં સ્મોગ ઈમરજન્સી લગાવી દીધી છે. કારણકે આ રાજ્યના મુખ્ય શહેર લાહોરની હવામાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ચુકયુ છે . પંજાબ હાઈકોર્ટે કરેલા સૂચન બાદ સરકારે ઈમરજન્સી લગાવી છીએ. આ પહેલા હાઈકોર્ટે પ્રદૂષણને કાબૂમાં લેવામાં સરકારની નિષ્ફળતાની આકરી ઝાટકણી કાઢી હતી અને કહ્યુ હતુ કે, આ કોઈની વ્યક્તિગત સમસ્યા નથી પણ આપણી ભાવી પેઢી માટે ચિંતાનો વિષય છે. સરકારે લાહોર શહેર સાથે શું કર્યુ છે તે જોઈને શરમ આવે છે.
દુનિયામાં વિવિધ શહેરોની હવાની ગુણવત્તા પર નજર રાખતી સંસ્થા આઈક્યૂ એરના રિપોર્ટ પ્રમાણે લાહોરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 447 પર પહોંચી ગયો હતો. એર ક્વોલિટી ઈન્ડેક્સ 50 ની નીચે હોવો જોઈએ. આ પ્રકારની હવા શ્વાસ લેવા માટે સુરક્ષિત મનાય છે.
બીજી તરફ પંજાબ રાજ્યમાં તમામ સ્કૂલોમાં હવે વિદ્યાર્થીઓ માટે એક મહિના સુધી માસ્ક પહરેવાનુ પણ ફરજિયાત બનાવાયુ છે. લાહોરની સ્થિતિ એવી છે કે, પ્રદૂષણના કારણે એક ફૂટ દુરનુ દ્રશ્ય પણ જોવુ મુશ્કેલ બની રહ્યુ છે.