ઓસ્ટ્રેલિયાની ડાર્લિગ નદીમાં ઓક્સિજનની અછત, માછલીઓ બચાવવા ઘડાયો આવો માસ્ટર પ્લાન
ગત વર્ષ નદીના પાણીમાં ઓકિસજન ખુટવાથી કરોડો માછલીઓ મરી હતી
પાણીની ગુણવત્તા બગડવાથી જળચરોની મુશ્કેલી વધી રહી છે.
સિડની, 25 ફેબુ્આરી,2024 ,રવીવાર
ઓસ્ટ્રેલિયામાં આવેલી ડાર્લિગ નદીમાં ઓકિસજન વાયુ ઘટી જતા કરોડો માછલીઓને બચાવવા માટે નદીમાં કૃત્રિમ ઓકિસજન નાખવાનું નકકી કરવામાં આવ્યું છે. આમ તો વહેતી નદીઓમાં ઓકિસજનનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં હોય છે અને કાંઠે ખૂશનુમા વાતાવરણ અનુભવાય છે પરંતુ ન્યૂ સાઉથ વેલ્સ રાજયની ડાર્લિગ નદીમાં કૃત્રિમ ઓકિસજન ઉમેરવાના પ્રયોગે દુનિયામાં ચર્ચા જગાવી છે.
ગત વર્ષ માર્ચ મહિનામાં નદીમાં ઓકિસજન ખુટતા ગુંગડામણથી કરોડો માછલીઓના મોત થયા હતા. આ સમગ્ર ઘટનાની તપાસ માટે એક તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. તપાસ સમિતિએ ગત સપ્ટેમ્બર માસમાં કેટલીક ભલામણો સાથે અહેવાલ સોંપ્યો હતો જેમાં નદીમાં કૃત્રિમ રીતે ઓકિસજન સપ્લાય કરવાનો પણ સમાવેશ થતો હતો. આગામી માર્ચ મહિનામાં આવું ફરી ના બને તે માટે નદીમાં પંપની મદદથી ઓકિસજન છોડવામાં આવશે.
ન્યુ સાઉથ વેલ્સના જળમંત્રી રોઝ જેકસને મીડિયાને જણાવ્યું હતું કે શુધ્ધ ઓકિસજન પાઇપની મદદથી નદીમાં ઓકિસજન છોડવોએ એક પ્રકારનો નુસખો છે જેનાથી નદીનું ઓકિસજન લેવલ સુધરશે તેમ માનવામાં આવી રહયું છે. છેલ્લા કેટલાક વર્ષોથી નદીમાં અકાળ માછલીઓ મરવાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે આવી પરીસ્થિતિમાં ચૂપ બેસી રહેવું બરાબર નથી. વૈજ્ઞાાનિકોનું માનવું છે કે આ કોઇ રામબાણ ઉપાય નથી પરંતુ પાણીની ગુણવત્તા જરુર સુધારી શકે છે. સામાન્ય રીતે આ ટેકનિક એકવા કલ્ચરમાં ઉપયોગમાં લેવાય છે.
ઓકિસજન રહિત અથવા તો ઓકિસજનનું ઓછુ પ્રમાણ ધરાવતા પાણીને પંપથી શોષીને ટેંકમાં ભરવામાં આવે છે. આ પાણીમાં ઓકિસજન ભેળવવામાં આવે છે અને ઓકિસજનનું ૧૦૦ ટકા પ્રમાણ ધરાવતું પાણી ફરી નદીમાં છોડવામાં આવે છે. અગાઉ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં આ નુસખો અજમાવવામાં આવ્યો હતો જેને સફળતા મળી હતી. જો કે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા અને અને ન્યૂ સાઉથ વેલ્સની ભૌગોલિક સ્થિતિ જુદા પ્રકારની છે. પ્રાપ્ત માહિતી અનુસાર માણસને જેમ ઓકિસજનની જરુર પડે તેમ નદીને પડવા લાગી છે જે પર્યાવરણની દ્વષ્ટીએ ખૂબજ ગંભીર બાબત છે.