વડાપ્રધાન મોદીને કુવૈતના સર્વોચ્ચ સન્માન 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી કરાયા સન્માનિત
PM Modi Kuwait Visit: કુવૈતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેના સર્વોચ્ચ સન્માન 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત કર્યા છે. આ કોઈ દેશ દ્વારા વડાપ્રધાન મોદીને આપવામાં આવેલ આ 20મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' કુવૈતનો નાઈટહુડ ઓર્ડર છે. આ ઓર્ડર રાજ્યના વડાઓ અને વિદેશી વડાઓ અને વિદેશી શાહી પરિવારોના સભ્યોને મિત્રતાના પ્રતીક તરીકે આપવામાં આવે છે. આ અગાઉ બિલ ક્લિન્ટન, પ્રિન્સ ચાર્લ્સ અને જ્યોર્જ બુશ જેવા વિદેશી નેતાઓને એનાયત કરાઈ ચૂક્યો છે.
શનિવારે બે દિવસીય યાત્રા પર કુવૈત પહોંચેલા વડાપ્રધાન મોદી 43 વર્ષમાં ખાડી દેશના પ્રવાસે જનારા પહેલા ભારતીય વડાપ્રધાન છે. કુવૈતના પ્રવાસ કરનારા અંતિમ ભારતીય વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા જેમણે 1981માં કુવૈત પ્રવાસ કર્યો હતો.
કુવૈત ભારતનું મહત્ત્વનું બિઝનેસ પાર્ટનર
ભારત કુવૈતના ટોચના વ્યાપારિક ભાગીદારોમાંથી એક છે. ભારતીય મુદાય કુવૈતમાં સૌથી મોટો પ્રવાસી સમુદાય છે. ખાડી દેશ ભારતના ટોચના વ્યાપારિક ભાગીદારોમાંથી એક છે, જેનો દ્વિપક્ષીય વેપાર નાણાંકીય વર્ષ 2023-24માં 10.47 બિલિયન અમેરિકન ડોલરનો રહ્યો. કુવૈત ભારતને છઠ્ઠો સૌથી મોટો કાચા તેલની જરૂરિયાત પૂરી પાડતો દેશ છે, જે દેશની ઉર્જા જરૂરિયાતોના 3 ટકા ભાગને પૂર્ણ કરે છે. કુવૈતમાં ભારતીય નિકાસ પહેલીવાર 2 બિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચી ગઈ છે, જ્યારે ભારતમાં કુવૈત ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી દ્વારા 10 બિલિયન અમેરિકન ડોલરથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે.
PM મોદીને મળેલા વિદેશી સન્માનોની યાદી
- જુલાઈ 2023: ફ્રાન્સે વડાપ્રધાન મોદીને લીજન ઓફ ઓનરથી સન્માનિત કર્યા.
- જૂન 2023: ઇજિપ્તમાં ઓર્ડર ઓફ ધ નાઇલ એનાયત કરાયો.
- મે 2023: પાપુઆ ન્યુ ગિની દ્વારા કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહૂથી સન્માનિત કરાયા.
- મે 2023: ફિજીમાં કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ ફિજીથી સન્માનિત કરવામાં આવ્યા.
- મે 2023: પલાઉ પ્રજાસત્તાક દ્વારા પીએમ મોદીને અબાકલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
- 2021: ભૂટાને પીએમ મોદીને ડ્રુક ગ્યાલપોથી સન્માનિત કર્યા.
- 2020: અમેરિકાએ પીએમ મોદીને લીજન ઓફ મેરિટ એવોર્ડથી સન્માનિત કર્યા.
- 2019: પીએમ મોદીને બહેરીન દ્વારા કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાંથી સન્માનિત કરવામાં આવ્યા.
- 2019: માલદીવે ઓર્ડર ઓફ ધ ડિસ્ટિંગ્વિશ્ડ રૂલ ઓફ નિશાન ઇઝુદ્દીનથી સન્માનિત કરાયા.
- 2019: રશિયાએ પીએમ મોદીને ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ એવોર્ડથી સન્માનિત કર્યા.
- 2019: UAE દ્વારા ઓર્ડર ઓફ ઝાયેદ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
- 2018: ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઈન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
- 2016: મોદીને અફઘાનિસ્તાન દ્વારા સ્ટેટ ઓર્ડર ઓફ ગાઝી અમીર અમાનુલ્લા ખાન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
- 2016: વડાપ્રધાનને સાઉદી અરેબિયા દ્વારા ઓર્ડર ઓફ અબ્દુલ અઝીઝ અલ સઉદથી નવાજવામાં આવ્યા હતા
પીએમ મોદીને મળેલા અન્ય મોટા સન્માન
પીએમ મોદીને વર્ષ 2021માં ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ લીડરશિપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે તેમને યુનાઈટેડ નેશન્સ ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
- ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ લીડરશીપ એવોર્ડ - કેમ્બ્રિજ એનર્જી રિસર્ચ એસોસિએટ્સ (CERA)(2021)
- વૈશ્વિક ગોલકીપર એવોર્ડ - બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન (2019)
- ફિલિપ કોટલર પ્રેસિડેન્શિયલ એવોર્ડ (2019)
- યુનાઈટેડ નેશન્સ ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ - સંયુક્ત રાષ્ટ્ર
- સિઓલ શાંતિ પુરસ્કાર - સિઓલ શાંતિ પુરસ્કાર સમિતિ (2018)