Get The App

મ્યાનમારમાં 'કચ્છ' જેવી સ્થિતિ, લાખો લોકોએ રસ્તા પર રાત વીતાવી, ઘરમાં જતાં જ ડરે છે

Updated: Mar 30th, 2025


Google News
Google News
મ્યાનમારમાં 'કચ્છ' જેવી સ્થિતિ, લાખો લોકોએ રસ્તા પર રાત વીતાવી, ઘરમાં જતાં જ ડરે છે 1 - image

 

Myanmar Earthquake news : ગુજરાતના કચ્છમાં 26 જાન્યુઆરી 2001ના રોજ 7.6ની તીવ્રતાનો જે ભૂકંપ આવ્યો હતો તેને યાદ કરીને આજે પણ લોકો શમશમી જાય છે. ત્યારે સમગ્ર ગુજરાતના લોકોના ચહેરા પર ભૂકંપને લઈને ભય દેખાઈ આવતો હતો. લોકો ઘરમાં જઈને સૂતા પણ ડરતા હતા કેમ કે અવારનવાર આફ્ટરશોક આવતા હતા. તે સમયે લગભગ 20000ના મોત તથા દોઢ લાખથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જોકે હવે આવી જ કંઇક સ્થિતિ મ્યાનમારમાં આવેલા ભૂકંપ બાદ જોવા મળી રહી છે. 


મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ 

મ્યાનમારમાં 7.7 અને પછી 7.2 ની તીવ્રતાના એક પછી એક ભૂકંપ બાદ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મ્યાનમાર પહેલાથી જ રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યું હતું. તે જ સમયે, ભૂકંપ પછી પણ રાહત અને બચાવ કાર્ય યોગ્ય રીતે થઈ રહી નથી. માળખાગત સુવિધાઓ અને રસ્તાઓને થયેલા નુકસાનને કારણે રાહત સામગ્રી સ્થળ પર પહોંચવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ભૂકંપ પછીના આંચકાઓના ડરથી, હજારો લોકો પોતાના ઘર છોડીને રસ્તાઓ પર સૂઈ  જવા મજબૂર છે. લોકોના ચહેરાઓ પર ડર સ્પષ્ટપણે દેખાઈ આવે છે. અત્યાર સુધી લગભગ 16 વખત મ્યાનમારમાં ભૂકંપના ઝટકા અનુભવાઈ ચૂક્યા છે. 


UNની ઓફિસનું મોટું નિવેદન 

યુએન ઓફિસ ફોર ધ કોઓર્ડિનેશન ઓફ હ્યુમેનિટેરિયન અફેર્સ (OCHA) અનુસાર, ઘણા લોકોએ તેમના ઘરોને થયેલા નુકસાન અને ભૂકંપ પછીના આંચકાઓના ડરને કારણે તેમના ઘરની અંદર જવાની હિંમત પણ કરી ન હતી. આવી સ્થિતિમાં લોકોએ ઘરની બહાર રાત વિતાવી. મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 1,700 લોકો માર્યા ગયા છે અને 3,400 લોકો ઘાયલ થયા છે.


રસ્તા-બ્રિજ બધુ ખેદાન મેદાન 

OCHA એ જણાવ્યું હતું કે ઘણા રસ્તાઓ અને પુલોને પણ નુકસાન થયું છે, જેના કારણે અવરજવર મુશ્કેલ બની ગઈ છે. ઘાયલ લોકોને દવાઓ પહોંચાડવી પણ મુશ્કેલ બની ગઈ છે. હાઇવે પર તિરાડો પડી જવાને કારણે બસો પણ બંધ કરી દેવામાં આવી છે. યુએન એજન્સીએ જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ લોકો સુધી લોહી પહોંચાડી શકાઈ રહ્યું નથી. આ ઉપરાંત, ઇન્ટરનેટ અને સંદેશાવ્યવહારના સાધનો પણ ઠપ્પ થઈ ગયા છે. મ્યાનમાર સૈન્યએ વિશ્વભરમાંથી મદદ માટે અપીલ કરી છે.

મ્યાનમારમાં 'કચ્છ' જેવી સ્થિતિ, લાખો લોકોએ રસ્તા પર રાત વીતાવી, ઘરમાં જતાં જ ડરે છે 2 - image

ભારતે મદદ કરી... 

ભારતે મ્યાનમારમાં 15 ટન રાહત સામગ્રી પણ પહોંચાડી છે અને ઇમરજન્સી મિશન 'ઓપરેશન બ્રહ્મા' હેઠળ બચાવ ટીમો સાથે હવાઈ અને દરિયાઈ માર્ગે વધુ પુરવઠો મોકલ્યો છે. વડાપ્રધાન મોદીએ મ્યાનમારના આર્મી જનરલ મિન આંગ હ્લેઇંગ સાથે વાત કરી અને કહ્યું કે તેમના દેશમાં આવેલા વિનાશક ભૂકંપથી થયેલા વિનાશનો સામનો કરવાના તેમના પ્રયાસોમાં ભારત તેમની સાથે એકતામાં ઉભું છે. ભારતે મ્યાનમારમાં પોતાના બચાવ કાર્યને 'ઓપરેશન બ્રહ્મા' નામ આપ્યું છે.

મ્યાનમારમાં 'કચ્છ' જેવી સ્થિતિ, લાખો લોકોએ રસ્તા પર રાત વીતાવી, ઘરમાં જતાં જ ડરે છે 3 - image

Tags :