કાશ્મીરી મૂળની ક્રિસ્ટલ કૌલ અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેનની પાર્ટીમાંથી લડશે ચૂંટણી, જો જીતશે તો બનશે રેકોર્ડ
Image Source: Twitter
- ચૂંટણી જીત્યા બાદ તેઓ શિક્ષા, આરોગ્ય અને પબ્લિક સેફ્ટી આ મુદ્દાઓ પર ફોકસ કરશે
નવી દિલ્હી, તા. 07 ડિસેમ્બર 2023, ગુરૂવાર
અમેરિકામાં ભારતીય મૂળના મહિલા ક્રિસ્ટલ કૌલ (Krystle Kaul)એ અમેરિકી સાંસદની ચૂંટણી લડવાનું એલાન કર્યું છે. તેઓ વર્જીનિયાથી યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ માટે ચૂંટણી લડશે.
કૌલ મૂળ કાશ્મીરના રહેવાસી છે. તેમના પિતા કાશ્મીરી છે. આગામી વર્ષે અમેરિકામાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં ક્રિસ્ટલ રાષ્ટ્રપતિ બાઈડેનની ડેમોક્રેટિક પાર્ટી તરફથી ચૂંટણી લડશે. જો તેઓ આ સંસદીય ચૂંટણી જીતી જશે તો પ્રમિલા જયપાલ બાદ અમેરિકાના નીચલા ગૃહમાં પહોંચનારી તેઓ ભારતીય મૂળની બીજી અમેરિકન મહિલા બની જશે.
પ્રમિલા જયપાલની બહેન સુશીલા જયપાલ પણ ચૂંટણીની રેશમાં સામેલ છે. તેઓ ઓરેગન જિલ્લાથી સાંસદીય ચૂંટણી લડવા જઈ રહી છે.
ક્રિસ્ટલ પહેલા જ સ્પષ્ટ કરી ચૂકી છે કે, ચૂંટણી જીત્યા બાદ તેઓ શિક્ષા, આરોગ્ય અને પબ્લિક સેફ્ટી આ મુદ્દાઓ પર ફોકસ કરશે. તેમનો ચૂંટણી અભિયાન પણ આ જ મુદ્દા પર આધારિત હશે.
વર્જીનિયાથી ચૂંટણી લડવાનો નિર્ણય કેમ લીધો
ક્રિસ્ટલે જણાવ્યું કે, વર્જિનિયાના 10મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટથી ચૂંટણી લડવાનો તેમનો નિર્ણય ડેમોક્રેટિક કોંગ્રેસના સદસ્ય જેનિફર વેક્સટનના નિર્ણય બાદ આવ્યો છે. વર્જીનિયામાં ભારતીય મૂળના અમેરિકન નાગરિકો અને દક્ષિણ એશિયન લોકોની સંખ્યા સૌથી વધુ છે. લાઉડાઉન કાઉન્ટી, ફેયરફેક્સ કાઉન્ટી અને પ્રિન્સ વિલિયમ્સ કાઉન્ટી જેવા વિસ્તારોમાં ભારતીયોની વસ્તી સૌથી વધુ છે.
ક્રિસ્ટલ કૌલ અને સુશીલા જયપાલ બંને ડેમોક્રેટિક પાર્ટી તરફથી ચૂંટણી લડશે. 2024ની સામાન્ય ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવાર બનવા માટે, તેણે પહેલા પાર્ટીની પ્રાઈમરી ચૂંટણી જીતવી પડશે. ક્રિસ્ટલને હિન્દી, પંજાબી, ઉર્દૂ અને અરબી સહિત કુલ આઠ ભાષાઓનું જ્ઞાન છે. તેઓ વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત બાબતોમાં નિપુણ છે.
કોણ છે ક્રિસ્ટલ કૌલ?
ક્રિસ્ટલ કૌલનો જન્મ ન્યૂયોર્કમાં થયો હતો. તેમના પિતા કાશ્મીરના રહેવાસી હતા અને 26 વર્ષની ઉંમરે અમેરિકામાં સ્થાયી થઈ ગયા હતા. ક્રિસ્ટલની માતા દિલ્હીના રહેવાસી હતા અને જ્યારે તેઓ સાત વર્ષના હતા ત્યારે તેઓ અમેરિકા જતા રહ્યા હતા.