ચૂપચાપ દફનવિધિ કરવી પડશે, એલેક્સીનો મૃતદેહ સોંપવા માટે પુતિનની સરકારે મુકી નવી શરત
image : Twitter
મોસ્કો,તા.24 ફેબ્રુઆરી 2024,શનિવાર
રશિયન રાષ્ટ્રપતિ પુતિનના કટ્ટર વિરોધી વિપક્ષી નેતા એલેક્સી નવલનીનુ તાજેતરમાં રશિયાની જેલમાં રહસ્યમય સંજોગોમાં મોત થયુ હતુ.
હજી પણ એલેક્સીના માતા કે પત્નીને રશિયન સરકારે તેમનો મૃતદેહ પાછો આપ્યો નથી અને ઉલટાનુ હવે મૃતદેહ પાછો આપવા માટે શરતો મુકવા માંડી હોવાનો દાવો એલેક્સીના પરિવારના પ્રવક્તાએ કર્યો છે.
પ્રવક્તા કિરા યર્મિશે સોશિયલ મીડિયા પર કહ્યુ હતુ કે, એલેક્સીના માતાને તપાસ એજન્સીના અધિકારીએ ફોન કરીને અલ્ટીમેટમ આપ્યુ છે અને કહ્યુ છે કે, એલેક્સીના મૃતદેહની દફનવિધિ ચૂપચાપ કરવી પડશે. તેમની જાહેરમાં અંતિમ યાત્રા કાઢી નહીં શકાય. એલક્સની માતાને આ બાબતે નિર્ણય લેવા માટે ગણતરીના કલાકો આપવામાં આવ્યા છે. નહીંતર એલેકસીના મૃતદેહને જેલની આસપાસ દફનાવી દેવામાં આવશે.
યર્મિશે કહ્યુ હતુ કે, એલ્ક્સીના માતા લ્યુડમિલા નવલનાયાએ આ મુદ્દે વાતતીચ કરવાનો ઈનકાર કરીને કહ્યુ હતુ કે આ બાબતે નિર્ણય લેવાનો અધિકાર મારો નથી.
નવલનીના પ્રવક્તાનુ કહેવુ છે કે, રશિયાની સરકાર નવલનીના મોત પછી પણ તેમનાથી ડરેલી છે. સરકાર ઈચ્છતી નથી કે મોટી સંખ્યામાં લોકો અંતિમ યાામાં ભેગા થાય. જો આવુ થશે તો પુતિન સામે નવલનીના આંદોલનને સમર્થન મળી રહ્યુ છે તેવો સંદેશ જશે. હજી પણ પુતિન સરકાર દ્વારા એલેક્સીનો મૃતદેહ સોંપવા માટે અખાડા કરવામાં આવી રહ્યા છે.
બીજી તરફ રશિયામાં ઘણા વિપક્ષી નેતાઓ તેમજ અલગ અલગ ક્ષેત્રની જાણીતી હસ્તીઓએ પણ સરકારને એલેક્સીનો મૃતદેહ તેમના પરિવારને સોંપવા માટે અપીલ કરી છે.