Get The App

કોહલીની 'વિરાટ' સદી : ભારતે પાકિસ્તાનને પછાડયું

Updated: Feb 24th, 2025


Google NewsGoogle News
કોહલીની 'વિરાટ' સદી : ભારતે પાકિસ્તાનને પછાડયું 1 - image


- ગૂ્રપ 'એ'માં બે વિજય સાથે ભારત ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઈનલમાં પ્રવેશ્યું

- પાકિસ્તાન ૪૯.૪ ઓવરોમાં ૨૪૧ રને ઓલઆઉટ : ભારતે ૪૨.૩ ઓવરોમાં ૪ વિકેટે ટાર્ગેટ પાર પાડયો : પાકિસ્તાન સેમિ ફાઈનલની રેસમાંથી લગભગ બહાર

- કોહલીએ ૫૧મી વન ડે સદી (૧૦૦*) વિજયી ચોગ્ગા સાથે નોંધાવી : વન ડેના ૧૪૦૦૦ રન ફાસ્ટેસ્ટ પુરા કરનાર બેટ્સમેન

- કોહલી અને શ્રેયસ ઐયર (૫૬) વચ્ચે ૨૧.૨ ઓવરોમાં ૧૧૪ની ભાગીદારી

દુબઈ: કિંગ કોહલીએ ખરાખરીના જંગમાં જ ફોર્મ મેળવીને ૧૧૧ બોલમાં ૭ ચોગ્ગા સાથે અણનમ ૧૦૦ રન ફટકારતા તેમજ શ્રેયસ ઐયરે ૬૭ બોલમાં પાંચ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૫૬ રનની ઈનિંગ રમતા ભારતે પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફીની ગુ્રપ 'એ'ની મેચમાં ૭.૩ ઓવરો બાકી હતી ત્યારે માત્ર ચાર જ વિકેટ ગુમાવી ૨૪૨ રનનો ટાર્ગેટ પાર પાડી આસાનીથી પરાજય આપ્યો હતો. કોહલીએ ૪૨.૩મી ઓવરમાં ૯૬ રનના સ્કોરથી ચોગ્ગો ફટકારી સદી પણ પુરી કરી અને ભારત માટે વિજયી ફટકો પણ લગાવ્યો હતો. અગાઉ ભારતના હાર્દિક પંડયાએ બે, કુલદિપ યાદવે ૩ તેમજ હર્ષિત રાણા, અક્ષર પટેલ તેમજ જાડેજાએ ૧-૧ વિકેટો સાથે ચુસ્ત બોલિંગ કરતા પાકિસ્તાન ૪૯.૪ ઓવરોમાં ૨૪૧ રને ઓલ આઉટ થયું હતું. કોહલી આ મેચમાં ફાસ્ટેસ્ટ ૧૪૦૦૦ વન ડે રન પુરા કરનાર બેટ્સમેન બન્યો છે. ૨૮૭ ઈનિંગમાં સિદ્ધી મેળવી હતી.

કોહલી અને શ્રેયસ ઐયરે ત્રીજી વિકેટની ૧૧૪ રનની ભાગીદારી ૨૧.૨ ઓવરોમાં ઉમેરીને જીત નિશ્ચિત બનાવી હતી. ગીલે ૫૨ બોલમાં ૭ ચોગ્ગા સાથે પ્રારંભની ઓવરોમાં આક્રમક બેટિંગ કરી પાકિસ્તાનનો જુસ્સો ઉતારતા ૪૬ રન કર્યા હતા. ભારત આ સાથે ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટમાં બે જીત સાથે સેમીફાઈનલમાં પ્રવેશ માટે નિશ્ચિત થઈ ગયું છે. જ્યારે પાકિસ્તાન લગભગ સેમીફાઈનલ રેસમાંથી બહાર નીકળી ગયું હોય તેમ કહી શકાય.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનને ભારતના બોલરોએ ૪૯.૪ ઓવરોમાં ૨૪૧ રને ઓલઆઉટ કરતી ચુસ્ત બોલિંગ નાંખી હતી.

જોકે ભારત ૨૪૨ રનનો ચેઝ કરવા ઉતર્યું ત્યારે સ્વભાવિક રીતે ઓપનર કેપ્ટન રોહિત શર્મા અને ગીલ થોડા નર્વસ પણ હોઈ શકે કેમ કે પ્રારંભમાં જો બંનેની વિકેટ સસ્તામાં પડી ગઈ હોત તો ભારત પર દબાણ સર્જાઈ શકે તેની જગ્યાએ રોહિત શર્માએ ૩ ચોગ્ગા, ૧ છગ્ગા સાથે ૧૫ બોલમાં ૨૦ રન અને ગીલે ૫૨ બોલમાં ૭ ચોગ્ગા સાથે ૪૬ આક્રમક રન ફટકારીને ભારત માટે જોરદાર પ્લેટફોર્મ તો ખડું કર્યું જ હતું પણ પાકિસ્તાનના બોલરોનો જુસ્સો પણ તોડી પાડયો હતો. કેમ કે ગીલ આઉટ થયો ત્યારે ભારતે ૧૭.૩ ઓવરોમાં ૧૦૦ રન બનાવી લીધા હતા.

કોહલી આજે એવા આત્મવિશ્વાસ અને પ્રભુત્વ સાથે બેટિંગ કરતો હતો કે પાકિસ્તાને મોટો પડકાર આપ્યો હોત તો પણ ભારતને તે વિજય ભેટ આપી શક્યો હોત. ભારતે ૭.૩ ઓવરો પહેલા જ વિજય મેળવ્યો તે આ વાતની પ્રતિતી કરાવે છે.

ભારતના વિજય માટે બોલરોને પણ એટલું જ શ્રેય આપવું જોઈએ કેમ કે પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ લીધી હતી ત્યારે પાકિસ્તાનના ઓપનર બાબર આઝમ તેમજ ઈમામ ઉલ હક્ક પાંચ રન પ્રતિ ઓવરથી ૪૧ રનની ભાગીદારી નોંધાવી ચૂક્યા હતા. ત્યારે મીડિયમ પેસર હાર્દિક પંડયાએ પાંચ ચોગ્ગા સાથે ૨૬ બોલમાં ૨૩ રન નોંધાવી આત્મવિશ્વાસ મેળવી ચૂકેલ બાબર આઝમને ઓફ સ્ટમ્પની બહાર ફેંકેલ અને સહેજ ઈન સ્વીંગર થયેલ બોલમાં કોટ બિહાઈન્ડ કરાવ્યો હતો. ૪૧ રને પ્રથમ વિકેટ પડી હતી. વધુ છ રનના ઉમેરા બાદ ૨૬ બોલમાં ૧૦ રન સાથે સંઘર્ષ કરતા ઈમામ ઉલ હકે ડોટ બોલની હારમાળા તોડવાના પ્રયત્નમાં ક્રીઝની બહાર નીકળી મીડ ઓન તરફ શોટ ફટકાર્યો હતો. રન નહોતો તો પણ હતાશા હેઠળ તે દોડી ગયો અને અક્ષર પટેલે મીડ ઓનથી સીધો થ્રો નાંખી તેને રન આઉટ કર્યો હતો ૪૭ રને બીજી વિકેટ ૯.૨ ઓવરમાં પડી હતી.

કેપ્ટન રીઝવાન અને સાઉદ શકીલે આખરી ૧૫ ઓવરોમાં જોખમ લઈને રન ઉમેરીશું તેવી રણનીતિ રાખી હોય તેમ લાગ્યું. જોકે ભારત પાસે મિડિયમ પેસર તરીકે શમી, હાર્દિક પંડયા અને હર્ષિત રાણા અને સ્પિનરોમાં કુલદિપ યાદવ, જાડેજા અને અક્ષર પટેલ જેવું વૈવિધ્ય હોઈ રિઝવાન-શકિલે ભારે સાવધતાથી રમવું પડયું હતું. જોકે તેઓએ ચોથી વિકેટની ૧૦૪ રનની ભાગીદારી ૨૪ ઓવરો રમી ઉમેરી હતી. તેઓ ભયજનક બનવાની તૈયારીમાં હતા ત્યારે અક્ષર પટેલના બોલને મીડ ઓન ફિલ્ડરથી ઉપરથી રિઝવાન ફટકારવા જતા લાઈન ચૂક્યો અને બોલ્ડ થયો હતો. ૧૫૧ રને ૩ વિકેટ ૩૩.૨ ઓવરમાં પડી તે જોતા પાકિસ્તાને આખરી ૧૭ ઓવરોમાં બીજા ૧૨૦-૧૨૫ રન ઉમેરવાનું પ્લેટફોર્મ તો ખડું કર્યું જ હતું પણ ખરેખર બન્યું એવું કે આ વિકેટ પાકિસ્તાનની પડતી માટે નિમિત્ત બની. રીઝવાનની વિકેટ પછી વધુ આઠ રનમાં શકિલને હાર્દિક પંડયાએ પેવેલિયન ભેગો કર્યો.તૈયબ તાહીરને જાડેજાના બોલમાં ખબર જ ના પડી અને તે બોલ્ડ થયો.

કુલદિપ યાદવે બે બોલમાં બે વિકેટ ઝડપતા સલમાન આગા (૧૯) અને આફ્રીદીને (૦) આઉટ કર્યા. ૨૦૦ રને ૪૨.૫ ઓવરોમાં સાત વિકેટ પડી ગઈ હતી. આખરી ૭.૨ ઓવરોમાં ત્રણ વિકેટ ગુમાવી પાકિસ્તાને ૪૧ રન ઉમેર્યા હતા. અક્ષર પટેલનો રન આઉટ કરતો થ્રો, એક કેચ, જાડેજાનો કેચ, કોહલીના બે કેચ પણ શાનદાર રહ્યા. ભારતે તમામ મોરચે પાકિસ્તાનને કચડયું હતું.

- કોહલીની વન ડેમાં 51મી, ઓવરઓલ 81મી સદી



વન ડેમાં સર્વાધિક સદીનો રેકોર્ડ

બેટ્સમેન

દેશ

વન ડે

સદી

કોહલી

ભારત

૨૯૯

૫૧

તેંડુલકર

ભારત

૪૬૩

૪૯

રોહિત

ભારત

૨૭૦

૩૨

પોન્ટીંગ

ઓસ્ટ્રેલિયા

૩૭૫

૩૦

જયસુર્યા

શ્રીલંકા

૪૪૫

૨૮

સર્વાધિક આંતરરાષ્ટ્રીય સદી

બેટ્સમેન

દેશ

વન ડે

સદી

તેંડુલકર

ભારત

૬૬૪

૧૦૦

કોહલી

ભારત

૫૪૬

૮૧

પોન્ટીંગ

ઓસ્ટ્રેલિયા

૫૬૦

૭૧

સંગાકારા

શ્રીલંકા

૫૯૪

૬૩

કાલીસ

સા.આફ્રિકા

૫૧૯

૬૨


Google NewsGoogle News