જાણો, હમાસને હંફાવનારા નેતન્યાહુ વિરુધ ઇઝરાયેલમાં કેમ નારા લાગ્યા ?
પ્રદર્શનકારીઓનું માને છે કે સરકાર પોતાના ફાયદા માટે કામ કરી રહી છે
ઇઝરાયેલમાં તાત્કાલિક ચુંટણી યોજવા તેલ અવિવમાં નારા લાગ્યા
તેલઅવિવ,૧૯ ફેબુ્આરી,૨૦૨૪,સોમવાર
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના વિરોધમાં પોતાના જ દેશમાં પ્રદર્શનો શરુ થયા છે. ગત ઓકટોબર મહિનામાં ઇઝરાયેલ પર આતંકી સંગઠન હમાસના હુમલા પછી દેશભકિતની લહેર શરુ થઇ હતી. નેતન્યાહુને વિરોધપક્ષોએ પણ ટેકો જાહેર કરીને હમાસને પાઠ ભણાવવાની સંમતિ આપી હતી.
હમાસ વિરુધ ઇઝરાયલ આર્મીની કાર્યવાહી હજુ પણ ચાલું છે. હમાસ -ઇઝરાયેલની લડાઇ વચ્ચે બેન્જામિન નેતન્યાહુ સામેના વિરોધ પ્રદર્શનો નવાઇ પમાડે છે. ઇઝરાયેલમાં એક વર્ગ એવું માની રહયો છે હમાસ મુદ્વે નેતન્યાહુ સરકારથી કાચું કપાયું છે.ગત સપ્તાહ શુક્રવારની રાત્રીએ હજારો લોકોએ તેલઅવિવમાં રેલી કાઢી હતી. રેલીનો ઉદ્દેશ ઇઝરાયેલમાં તાત્કાલિક ચુંટણી જાહેર કરવાનો હતો. પ્રદર્શનકારીઓનું માનવું હતું કે નેતન્યાહુ સરકાર પોતાના ફાયદા માટે કામ કરી રહી છે.
પ્રદર્શન દરમિયાન દેશભકિતના ગીતો ગવાયા હતા અને કેટલાક સ્થળે આગ પણ લગાવી હતી. પ્રદર્શનકારીઓ પોતાની માંગ સાથે આંદોલનનો વ્યાપ વધારી રહયા છે. આ દરમિયાન હમાસ દ્વારા બંધક બનાવાયેલા ઇઝરાયેલી નાગરિકોને છોડાવવા માટે વધુ પ્રયાસ કરવાની પણ માંગણી કરી હતી. બંધકોને ઘરે પાછા લાવો એવા નારા પણ લગાવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર નેતન્યાહુએ તાત્કાલિક ચુંટણી યોજવાનો ઇન્કાર કર્યો છે.