જાણો કોણ છે ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરનાર વ્યક્તિ? ચોંકાવનારો છે હુમલાખોરનો ઇતિહાસ
Donald Trump Attack: અમેરિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાનમાં પ્રમુખ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને ફરી એક વખત મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રવિવારે જ્યારે ટ્રમ્પ ગૉલ્ફના મેદાનમાંથી રમીને નીકળી રહ્યા હતા ત્યારે તેમને ટાર્ગેટ કરવાનો પ્રયાસ થયો હતો. આ મામલે FBIએ જણાવ્યું કે, ફાયરિંગ ટ્રમ્પને ટાર્ગેટ કરીને જ કરવામાં આવ્યું હતું, પરંતુ સઘન સુરક્ષાના કારણે હુમલાખોરને ત્યાંથી ભાગી જવું પડ્યું હતું. ચૂંટણી દરમિયાન ટ્રમ્પ પર આ બીજો હુમલો થયો છે. FBI અને સિક્રેટ સર્વિસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. સ્થાનિક પોલીસે રાઉથની I-95થી ધરપકડ કરી લીધી છે. હુમલાખોરની ઓળખ 58 વર્ષીય રેયાન વેસ્લી રાઉથ તરીકે થઈ છે.
હુમલાખોરે ટ્રમ્પ પર હુમલો કરતાં પહેલાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે, આ વર્ષે 'લોકતંત્ર મતદાન છે અમે હારી ન શકીએ.' આ વાત વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને પ્રમુખ જો બાઇડેન પોતાના ભાષણમાં બોલતા આવ્યા છે.
સુરક્ષા એજન્સીએ હુમલાખોરની ઓળખ 58 વર્ષીય રેયાન વેસ્લી રાઉથ તરીકે કરી છે. રાઉથનો લાંબો ગુનાહિત રૅકોર્ડ છે અને તે સોશિયલ મીડિયા પર સતત રાજકારણ વિશે પોસ્ટ કરતો રહે છે. પૂર્વ પ્રમુખ પર થયેલા આ હુમલાની અમેરિકન પ્રમુખ જો બાઇડને નિંદા કરી છે અને સુરક્ષા એજન્સીઓને તપાસના આદેશ આપ્યા છે.
રાઉથની લિંકડિન પરથી મળેલી માહિતી પ્રમાણે તેણે નોર્થ કેરોલિના એગ્રીકલ્ચરલ ઍન્ડ ટેકનિકલ સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. લિંકડિન પર રાઉથે ખુદને 'મશીનરી માઇન્ડેડ' અને નવા ઇન્વેન્શન અને વિચારોનો સમર્થક ગણાવ્યો છે. રાઉથ 2018થી હવાઈમાં રહે છે અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારોના લાંબા સમયથી સમર્થક છે. તેણે 2019થી ડેમોક્રેટિક ઉમેદવારોને ડોનેશન આપ્યું છે. ફેડરલ ઈલેક્શન કમિશન (FEC) ફાઇલિંગ પ્રમાણે તેણે સપ્ટેમ્બર 2020માં ફંડરેઇઝિંગ પ્લેટફૉર્મ એક્ટબ્લૂને 140 ડોલરનું દાન આપ્યું હતું.
10 માર્ચ 2023ના રોજ જાહેર કરવામાં આવેલા સેમાફોર રિપોર્ટમાં રાઉથને યુક્રેનમાં ઇન્ટરનેશનલ વોલન્ટિયર સેન્ટર(IVC)નો ચીફ ગણાવ્યો છે. IVC એ એક ખાનગી સંસ્થા છે જે વોલેન્ટિયર્સને એમ્પાવર કરે છે અને સમગ્ર યુક્રેનમાં માનવતાવાદી સહાય પૂરી પાડવાનું કામ કરી રહી છે.
રાઉથે પોતાના સોશિયલ મીડિયા પર એવી ઘણી વાતો લખી છે જે કમલા અને જો બાઇડેનના નિવેદનો સમાન છે. તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ વાહિયાત ટ્વિટસ અને રિપ્લાયથી ભરેલું છે. આ સાથે જ X દ્વારા તે રશિયા વિરુદ્ધ યુદ્ધમાં યુક્રેન અને ચીન વિરુદ્ધ સંઘર્ષમાં તાઈવાનનું સમર્થન પણ કરી રહ્યો છે. આ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર યુક્રેન જઈને યુદ્ધ કરવાની વાત પણ કહી છે અને પુતિન વિરુદ્ધ વિધ્વંસક નિવેદન આપ્યું છે.
ફાયરિંગ કરીને ભાગવામાં સફળ રહ્યો હતો હુમલાખોર
રાઉથે જ્યારે ટ્રમ્પ પર હુમલો કર્યો ત્યારે સુરક્ષામાં તેહનાત એક એજન્ટે પણ તેના પર ફાયરિંગ કર્યું પરંતુ તે ભાગવામાં સફળ રહ્યો હતો. ત્યારબાદ સ્થાનિક પોલીસે રાઉથની I-95થી ધરપકડ કરી લીધી હતી.