જાણો, પાકિસ્તાનમાં કયાં સ્થળે રામમંદિરનું નિર્માણ થઇ રહયું છે
અયોધ્યાના વિઝા વિલંબથી ઘરઆંગણે જ રામમંદિર બનાવવાનો વિચાર આવ્યો
સિંધ પ્રાંતના થરપારકર જિલ્લાના ગામમાં રામ મંદિર બની રહયું છે
નવી દિલ્હી,૧૦ એપ્રિલ,૨૦૨૫,ગુરુવાર
પાકિસ્તાનમાં હિંદુ સહિતના અલ્પસંખ્યક સમુદાયો પર અત્યાચાર થતા હોવાથી રહેવું મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને હિંદુ ધર્મના અનુયાયીઓના ધાર્મિક પૂજા સ્થળ અને મંદિરો તોડવાની ઘટના બનતી રહે છે. આ વિરોધાભાસ વચ્ચે પાકિસ્તાનમાં રામ મંદિરનું નિર્માણ થઇ રહયું હોવાનું જાણવા મળે છે. ભારતમાં અયોધ્યા ખાતે ભવ્ય રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઇ તે પછી વિશ્વના વિવિધ દેશોમાં રહેતા હિંદુઓ દર્શન માટે આવે છે પરંતુ પાકિસ્તાનમાં રહેતા હિંદુઓને અયોધ્યા આવીને દર્શન માટેના વિઝા મંજુરી સરળતાથી મળતી નથી.
આવા સંજોગોમાં ઘરઆંગણે જ રામમંદિર બનાવવાનો વિચાર આવ્યો હોવાનું માનવામાં આવે છે. પાકિસ્તાનના એક હિંદુ બ્લોગરે પોતાના બ્લોગમાં માહિતી આપતા જણાવ્યું હતું કે સિંધ પ્રાંતના થરપારકર જિલ્લાના એક ગામમાં રામ મંદિરનું નિર્માણ થઇ રહયું છે. બ્લોગર પોતેએ મંદિર પરિસરની મુલાકાત લીધી ત્યારે ધાર્મિક પ્રવૃતિ માટેના સ્ટેજના નિર્માણનું કાર્ય ચાલતું હતું.
થારુરામ નામના પુજારીએ ભારત પ્રવાસ દરમિયાન ગંગાજળ લીધું હતું.પાકિસ્તાનના વિવિધ ભાગમાં રહેતા હિંદુઓ રામ મંદિરના નિર્માણ માટે મદદ કરી રહયા છે. મંદિર મોટા ભાગનું તૈયાર થઇ ચુકયું છે માત્ર મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા જ થવાની બાકી છે. પાકિસ્તાનમાં તૈયાર થઇ રહેલું રામ મંદિર ચર્ચાનો વિષય બને તેવી શકયતા છે. પાકિસ્તાનના સૈદપુરમાં આવેલા પ્રાચીન રામમંદિર કે રામકુંડ મંદિરમાંથી મૂર્તિઓ હટાવી લેવામાં આવી હતી આથી હિંદુઓ પૂજા કરી શકતા નથી એ પણ હકિકત છે.