mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

એક સમયે હોટ ડોગ વેચતો હતો, જાણો વેગનર આર્મીના ચીફ પ્રિગોઝિનને..જેણે ખાસ દોસ્ત પુતિન સામે હવે બાંયો ચઢાવી છે

Updated: Jun 24th, 2023

એક સમયે હોટ ડોગ વેચતો હતો, જાણો વેગનર આર્મીના ચીફ પ્રિગોઝિનને..જેણે ખાસ દોસ્ત પુતિન સામે હવે બાંયો ચઢાવી છે 1 - image

                                                                                image : twitter

મોસ્કો,તા. 24 જૂન 2023,શનિવાર

અત્યાર સુધી રશિયા અને યુક્રેન યુધ્ધમાં રશિયાને મદદ કરનાર રશિયાની પ્રાઈવે્ટ આર્મી વેગનર ગ્રૂપે બગાવત કરવાની ધમકી આપ્યા બાદ આખી દુનિયામાં ખળભળાટ મચ્યો છે.

રશિયન પ્રમુખ પુતિન માટે આ પ્રકારની ધમકી મોટા ફટકા સમાન છે. પોતાના દેશ સામે બાંયો ચઢાવનાર વેગનર ગ્રૂપનો ચીફ વગેની પ્રિગોઝિન હવે રાતોરાત ચર્ચામાં છે. લોકો જાણવા માંગે છે કે, પુતિનની સામે પડનાર પ્રિગોઝિન છે કોણ...

પ્રિગોઝિન પુતિનની એકદમ નિકટના વ્યક્તિ તરીકે જાણીતો હતો પણ હવે તેણે જ તખ્તા પલટની ધમકી આપી છે. તેનો જન્મ 1961માં સેંટ પિટર્સબર્ગમાં થયો હતો. બાળપણમાં તેના પિતાનુ મોત થયુ હતુ. તેની માતા એક હોસ્પિટલમાં કામ કરતી હતી. શરૂઆતના અભ્યાસ બાદ તેણે એક સ્પોર્ટસ એકેડમી જોઈન કરી હતી અને સ્કિઈંગની તાલીમ લેવાની શરૂ કરી હતી. શરૂઆતમાં તે આ રમતનો ખેલાડી બનવા માંગતો હતો પણ તેનુ આ સપનુ પુરૂ થયુ નહોતુ. એ પછી તે ગુનેગારોની એક ગેંગમાં સામેલ થઈ ગયો હતો.

એવુ મનાય છે કે, 18 વર્ષની વયે તેણે પહેલો ગુનો આચર્યો હતો. 1980માં તેણે એક મહિલાને લૂંટી લીધી હતી અને એ પછી આ સિલસિલો ચાલુ જ રહ્યો હતો. 1981માં રશિયાની એક કોર્ટે તેને 13 વર્ષની કેદની સજા ફટકારી હતી. 1990માં જ્યારે સોવિયેત યુનિયન છુટુ પડી ગયુ ત્યારે તેને જેલમાંથી છોડી દેવામાં આવ્યો હતો. તે ફરી પોતાના શહેર પિટર્સબર્ગ પાછો ફર્યો હતો અને હોટડોગ વેચવાનુ શરૂ કર્યુ હતુ. એ પછી તે મહિને 1000 ડોલર સુધી કમાણી કરવા માંડ્યો હતો.

આ દરમિયાન પ્રિગોઝિને એક સુપરમાર્કેટનો કેટલોક શેર ખરીદી લીધો હતો. 1995 તેણે એક રેસ્ટોરન્ટ શરૂ કરી હતી અને રેસ્ટોરન્ટરને લોકપ્રિય બનાવવા માટે સ્ટ્રિપ ડાન્સરો રાખી હતી. આ આઈડિયા કામ કરી ગયો હતો. તેની રેસ્ટોરન્ટમાં જાણીતા લોકો આવવા માંડ્યા હતા અને તેમાં પિટર્સબર્ગના મેટર અનાતોલી સોબચાક અને ડેપ્યુટી મેયર વ્લાદિમીર પુતિનનો સમાવેશ પણ થતો હતો. તે સમયથી પુતિન અને પ્રિગોઝિન દોસ્ત બની ગયા હતા.

પ્રિગોઝિનની મુલાકાત રશિયાના ખ્યાતનામ સંગીતકાર રોસ્ટ્રોપોવિચ સાથે થઈ હતી. રોસ્ટ્રોપોવિચે 2011માં સ્પેનની રાણીની રશિયાની મુલાકાત દરમિયાન પોતાના ઘરે તેમની યજમાની કરી હતી અને ખાવા પીવાની જવાબદારી પ્રિગોઝિને સંભાળી હતી. જેના કારણે પણ રશિયાના એલાઈટ સર્કલમાં પ્રિગોઝિન લોકપ્રિય બનવા માંડ્યો હતો. રોસ્ટ્રોપોવિચે પોતાના 75મા જન્મ દિવસની ઉજવણીમાં પ્રિગોઝિન અને તેની પત્નીને આમંત્રિત કર્યા હતા.

આ દરમિયાનમાં રશિયાની સત્તા પુતિનના હાથમાં આવી ચુકી હતી અને રશિયા દુનિયાના સૌથી શક્તિશાળી દેશો પૈકીના એક તરીકે ફરી ઉભરી રહ્યુ હતુ. વિદેશી મહાનુભાવોની દેશમાં આવન જાવન વધી ગઈ હતી અને મોટાભાગના મહેમાનોને પુતિન પિટર્સબર્ગમાં જ મળતા હતા. વિદેશી મહેમાનો સાથે તેમની મુલાકાત પ્રિગોઝિનની હોટલમાં જ થતી હતી. જેના કારણે તેમની દોસ્તી વધારે ગહેરી બની હતી. પુતિને સંખ્યાબંધ સરકારી આયોજન માટેના કોન્ટ્રાક્ટ પ્રિગોઝિનને આપવા માંડ્યા હતા. જેમાં મોસ્કોની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માટેના 10 અબજ રૂબલના કોન્ટ્રાક્ટનો પણ સમાવેશ થતો હતો.

વેગનરનુ કદ એ પછી વધવા માંડ્યુ હતુ. તેણે પોતાના માણસોને ભરતી કરીને એક પ્રાઈવેટ આર્મી ઉભી કરી દીધી હતી. જેને પુતિનનુ સંપૂર્ણપણે પીઠબળ હતુ. રશિયાએ યુક્રેન સામે યુધ્ધ જાહેર કર્યુ ત્યારે વેગનરે પુતિનના કહેવાથી આર્મીને જંગમાં ઉતારી હતી. જોકે દોઢ વર્ષ દરમિયાન બંને વચ્ચે યુધ્ધને લઈને સર્જાયેલા મતભેદો હવે જાહેરમાં આવી ગયા છે.

હવે એક સમયનો ખાસ દોસ્ત પ્રિગોઝિન પુતિન માટે મોટામાં મોટો દુશ્મન બની રહ્યો છે. બંને વચ્ચે પડેલી તિરાડની રશિયા અને યુક્રેન યુધ્ધ પર શું અસર પડશે તે અંગે પણ અટકળો થઈ રહી છે.

Gujarat