ચીનના જિયાંગ-શી પ્રાંતમાં પ્રાથમિક શાળામાં છરીથી હુમલો : પાંચને ગંભીર ઈજા : એક મહિનામાં આવી બીજી ઘટના
- 'ચીનમાં બેકારી વધી રહી છે, સાથે છરાબાજી વધી છે'
- આ પૂર્વે 7મેના દિવસે યુનાન પ્રાંતમાં વ્યાપક છરાબાજી થતાં બેનાં મોત થયા હતા 21ને ગંભીર ઈજાઓ થઈ હતી
બૈજિંગ : ચીનના ઝિયાંગ ઝી પ્રાંતમાં આવેલી એક પ્રાથમિક શાળામાં આજે (સોમવારે) બપોરે છરાબાજી થતાં પાંચ વ્યક્તિઓને ઇજા થઈ હતી. આ મહિનામાં જ બનેલી આ બીજી ઘટના છે તેમ સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું. ચીનની શીન-હુમા ન્યુઝ એજન્સી આ માહિતી આપતા જણાવે છે કે, યુનાન પ્રાંતમાં મેની ૭મી તારીખે થયેલી છરાબાજીમાં બેનાં મોત થયા હતા અને ૨૧ને ગંભીર ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.
થોડાં વર્ષો પૂર્વે ચીનમાં ખાનગી વ્યક્તિઓને બંદૂકો કે રિવોલ્વરો રાખવા ઉપર પ્રતિબંધ મુકાયા પછી છરાબાજીના બનાવો વધતા જાય છે તેમ પણ અધિકારીએ ઉમેર્યું હતું.
ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં માનસિક રીતે અસ્વસ્થ તેવી વ્યક્તિએ કરેલી છરાબાજીમાં બેનાં મૃત્યુ થયા હતા અને ૭ને ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટના યુનાનના રહેણાંકના વિસ્તારમાં બની હતી. આ પૂર્વે ગત વર્ષના જુલાઈ મહિનામાં જ દક્ષિણ પૂર્વ ચીનના ગુઆંગકોંગ પર્રાંતની ઝેન શી ઓંગ કાઉન્ટીમાં એક 'કીન્ડર ગાર્ટન'માં થયેલી છરાબાજીમાં ૩ બાળકો સહિત કુલ છનાં મોત થયા હતા. ઝેનશીયોંગ કાઉન્ટી યુનાનની ઉત્તર પૂર્વેની ગીયાઝાઓ અને સીયુમાન સીમાને સ્પર્શે છે. ૨૦૨૦ સુધી તો તે વિસ્તાર ગરીબી ગ્રસ્ત જ ગણાતો હતો.
ઉલ્લેખનીય છે કે, ચીનનો ઉત્તર અને પૂર્વનો વિસ્તાર સમુદ્ર છે. જ્યારે, મધ્ય અને પશ્ચિમ ચીન દારિદ્રયગ્રસ્ત છે.
વિશ્લેષકો જણાવે છે કે, ચીન બહારથી ભલે સિંહનું મ્હોરૂ પહેરી રાખે પરંતુ તેનો મધ્ય અને પશ્ચિમનો વિસ્તાર દારિદ્રયયગ્રસ્ત છે ત્યાં યુવાનોમાં બેકારીનું પ્રમાણ ઘણું વધુ છે તેથી બેકાર યુવાનો ઝનૂને ભરાઈને આવા અપકૃત્યો કરે છે તેથી છરાબાજી પણ વધી છે.