કીંગ ચાર્લ્સનો સ્કોટલેન્ડ સ્થિત 'બાલ્મોટલ-કેસલ' લગ્ન સમારંભો અને અન્ય સમારંભો માટે ભાડે અપાશે
- પાશ્ચાદ ભૂમિમાં રહેલા વનાચ્છાદિત પર્વતો આસપાસની હરિયાળી અને વનરાજી કેસલને અદ્ભૂત સૌંદર્ય આપે છે
લંડન : કીંગ ચાર્લ્સ ત્રીજાની અંગત માલિકીનો સ્કોટલેન્ડના ઉચ્ચ પ્રદેશમાં રહેલો બાલ્મોટલ કેસલ હવે લગ્ન સમારંભો કે અન્ય સમારંભો માટે ભાડે આપવાનો નિર્ધાર કરાયો છે. આ માટે સ્થાનિક કાઉન્સિલ સમક્ષ યાચીકા પણ રજુ કરવામાં આવી છે. મહદઅંશે તે યાચિકા સ્વીકાર્ય પણ બને તેમ છે, તેમાં આ કેસલમાં લગ્ન સમારંભો, ભોજન સમારંભો તેમજ પરિષદો (મીટીંગ્સ) તથા તે પૈકી કોઈની પણ સાથે સંકળાયેલા કાર્યક્રમ માટે પણ મંજૂરી માગવામાં આવી છે. જે એબર્ડીન શાયર કાઉન્સીલ પસાર કરી જ દેશે તેમ માનવામાં આવે છે.
આ પછી આ કેસલની ઉત્તરે કવીન્સ બિલ્ડીંગ આવેલું છે, તેની નજીક બાલ્મોટલ કેસલની ઓફિસ છે તથા ૧૯૮૦ના દાયકામાં નવા બંધાયેલા સ્ટાફ કવાટર્સ તથા ઘોડાહાર આવેલા છે. એક વિશાળ કેન્ટીન પણ છે. તેમાં ૨૭૭ મહેમાનની વ્યવસ્થા થઈ શકે તેવી વ્યવસ્થા છે. આ કેસલની કેન્ટીન મુલાકાતીઓ માટે ભોજનની વ્યવસ્થા પૂરી પાડે છે. અહીં રાત્રીના ૧૨.૩૦ સુધી શરાબ આપવામાં આવે છે. તેના બારમાં દુનિયાના શ્રેષ્ઠ શરાબો હોય છે.
મહારાણી ઇલિઝાબેથને પણ આ કેસલ ઘણો જ ગમતો હતો. તેઓ ૯૬ વર્ષના થયા ત્યારે પણ અહીં ઉનાળામાં આરામ કરવા આવતાં હતાં. અહીં રાજઘરાનાનાં ચિત્રો છે. બીજી અનેક સગવડો છે. તે જોવા માટે અત્યારે ૧૦૦ પાઉન્ડ (ડોલર ૧૩૦)ની ટિકીટ છે.