કિમ જોંગનો યુદ્ધની સ્થિતિમાં અમેરિકા-દક્ષિણ કોરિયાનું નામોનિશાન મિટાવી દેવા આદેશ
- નવા વર્ષના પહેલા જ દિવસે હવે એશિયામાં યુદ્ધના વાદળો ઘેરાયા
- સૈન્ય ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગની હત્યાનો અભ્યાસ કરી રહ્યું હોવાની દક્ષિણ કોરિયાની કબૂલાત
સિઓલ : ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન વારંવાર અમેરિકા અને પડોશી દેશ દક્ષિણ કોરિયાને યુદ્ધની ધમકી આપતું રહે છે. હવે નવા વર્ષના પહેલા જ દિવસે વધુ એક વખત કિમ જોંગે અમેરિકાને યુદ્ધની ધમકી આપી છે. કિમ જોંગે સોમવારે જણાવ્યું હતું કે, અમેરિકા અને દક્ષિણ કોરિયાના કારણે યુદ્ધ હવે વાસ્તવિક્તા બની ગયું છે. ઉત્તર કોરિયાના તાનાશાહે તેના સૈન્યને નિર્દેશ આપ્યા છે કે અમેરિકા અને દક્ષિણ કોરિયા સંઘર્ષનો રસ્તો પસંદ કરે તો કોઈપણ ખચકાટ વિના તેમનું નામોનિશાન મિટાવી દો.
કિમ જોંગે કહ્યું કે અમેરિકા અને દક્ષિણ કોરિયા ટાપુ દેશમાં ઘર્ષણ કરવા માગે છે, પરંતુ તેમને તેના પરીણામની ખબર નથી. કિમ જોંગે છેલ્લા બે વર્ષમાં પરમાણુ હુમલા કરવામાં સક્ષમ અનેક ડઝન મિસાઈલોનું પરીક્ષણ કર્યું છે. તેમાંથી કેટલાક મિસાઈલ અમેરિકા સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. આ મિસાઈલોની તાકાત અંગે નિષ્ણાતો પણ ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે.
ઉત્તર કોરિયાની સરકારી સમાચાર એજન્સી કેસીએનએ મુજબ કિમ જોંગ ઉને કહ્યું કે, અમેરિકા અને તેની દક્ષિણ કોરિયન કઠપુતળી સરકાર સાથે યુદ્ધ થશે તો તેમાં પરમાણુ હુમલો કરવાનો વિકલ્પ પણ રહેશે. ઉત્તર કોરિયાના સૈન્યે તેના દુશ્મનો અને વિદેશી તાકતો સાથે સંપૂર્ણ ક્ષેત્રમાં પ્રભુત્વ જમાવવા અને સૈન્ય કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપવા માટે દૂરદર્શિતાપૂર્ણ રીતે તૈયારી કરવી પડશે.
કેસીએનએ કિમ જોંગને કહેતા ટાંક્યા હતા કે ઉત્તર કોરિયાના સૈન્ય પર આક્રમણ કરવાના દુશ્મનોના બેદરકારીપૂર્ણ પગલાંના કારણે કોઈપણ સમયે કોરિયન ટાપુ પર યુદ્ધ શરૂ થઈ શકે છે. પ્યોંગયાંગ વિરુદ્ધ વોશિંગ્ટનના દુશ્મનાવટપૂર્ણ પગલાં સ્પષ્ટરૂપે ખતરનાક બની ગયા છે. દક્ષિણ કોરિયાના પ્રમુખ યૂ સુક યેઓલની સરકાર ઉત્તર કોરિયા સાથે 'શક્તિ સંતુલન' હાંસલ કરવાનો આત્મઘાતી પ્રયત્ન કરી રહી છે.
દરમિયાન દક્ષિણ કોરિયાનું સૈન્ય ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગની હત્યાની તૈયારી કરી રહ્યું છે. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ દક્ષિણ કોરિયાએ કબૂલ્યું છે કે તેમનું સૈન્ય કિમ જોંગ ઉનની સંભવિત હત્યા માટે સક્રિયરૂપે 'હત્યા અભ્યાસ' (ડિપેક્શન ડ્રીલ) કરી રહી છે. દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, ઉત્તર કોરિયાનો સામનો કરવા માટે તાનાશાહની હત્યા એક વિકલ્પ છે. તેના માટે અમારું સૈન્ય ડ્રિલ કરી રહ્યું છે. આ સિવાય પરમાણુ હથિયારોની તૈનાતીનો પણ વિકલ્પ રખાયો છે. હત્યા અભ્યાસમાં અમેરિકન સૈન્ય પણ અમને સાથ આપી રહ્યું છે.