સરમુખત્યાર કિમ જોંગ ઉત્તર કોરિયામાં વધી રહેલી સ્થૂળતાથી પરેશાન, ઓછી કેલેરીવાળી બિયર લોન્ચ કરાવી
Image Source: Twitter
પ્યોગયાંગ, તા. 24 ડિસેમ્બર 2023
ઉત્તર કોરિયાના માથાફરેલ સરમુખત્યાર કિમ જોંગ તાજેતરમાં ઉત્તર કોરિયાની ઘટતી જતી વસતીથી પરેશાન હોવાના અહેવાલો સામે આવ્યા હતા. હવે તેમને ઉત્તર કોરિયામાં સ્થૂળતા વધી રહી હોવાનો ડર સતાવી રહ્યો છે.
જેના કારણે તેમણે દારુના શોખીનો માટે ઓછી કેલેરીવાળી બિયર લોન્ચ કરી છે. જેના કારણે સ્થૂળતાની સમસ્યા દૂર કરવામાં મદદ મળશે. કિમ જોંગ પહેલા પણ લોકોનુ વજન વધી રહ્યું હોવાના કારણે જાહેરમાં ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તેઓ જાહેરમાં કહી ચૂક્યા છે કે, લોકો ફિટ રહે અને દેશની પ્રગતિમાં ફાળો આપે.
કિમ જોંગ પોતે પણ સ્થૂળતાથી પરેશાન છે. આ પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે, કોવિડ મહામારી વખતે કિમ જોંગે વજન ઘટાડવા સર્જરી પણ કરાવી હતી.
બ્રિટિશ અખબારના એક અહેવાલમાં દાવો કરાયો છે કે, કિમ જોંગ ફ્રાન્સના ચીઝ અને પશ્ચિમની એક વ્હિસ્કીના શોખીન છે પણ ઉત્તર કોરિયામાં મોટાભાગના લોકો દેશમાં બનેલી દેશી બિયર અને સોજૂ નામની ચોખામાંથી બનેલી વાનગી જ ખરીદી શકે છે. આ સંજોગોમાં લોકોમાં બિયરના કારણે વજન ના વધે તે માટે ઓછી કેલેરીવાળી બિયર લોન્ચ કરી છે.
ઉત્તર કોરિયામાં બીયર બનાવતી સરકારી કંપની ટેડોંગગેંગ દ્વારા આ બિયર લોન્ચ કરવામાં આવી હતી. આ કંપનીની સ્થાપના 2001માં થઈ હતી. એક જાણકારે કહ્યું હતું કે, નવી બિયર ઉત્તર કોરિયામાં લોકપ્રિય થવા માંડી છે કારણકે વધારે વજન ધરાવતા લોકોમાં તેની માંગ વધી રહી છે.