કિમ જોંગ ઉન રશિયાને 1 લાખ સૈનિકો મોકલશે, બદલામાં મિસાઈલ ટેક્નોલોજી મેળવશે, અમેરિકા-યુક્રેન ટેન્શનમાં
Kim Jong Un and Russia News | રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવે તેવા કોઈ સંકેતો લાગતા નથી. ઉત્તર કોરિયાનો સરમુખત્યાર કિમ જોંગ રશિયાને યુક્રેન સામે લડવા માટે મદદ કરવા એક લાખ સૈનિકો મોકલશે. તેના બદલામાં રશિયાએ તેને મિસાઇલ ટેકનોલોજી આપી હોવાનું મનાય છે. કિમ જોંગે તાજેતરમાં મધ્યમ અંતરના હાઇપરસોનિક બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યુ તે પૂર્ણપણે રશિયાની મદદથી કર્યુ હોવાનું મનાય છે.
આ પહેલા ઉત્તર કોરિયા યુક્રેન સામે લડવા રશિયાને મદદ કરવા દસ હજાર સૈનિકો મોકલી ચૂકયુ છે, હવે તે તેનાથી દસ ગણા વધારે એટલે કે એક લાખ સૈનિકો તે રશિયા મોકલશે. આમ રશિયા કિમ જોંગને અત્યંત સંવેદનશીલ ડિફેન્સ ટેકનોલોજી પૂરી પાડી રહ્યું છે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સંરક્ષણ વિશ્લેષકોનું માનવું છે કે ઉત્તર કોરિયાના આ પગલાંથી પૂર્વ એશિયામાં તણાવ વધી શકે છે. તેનું કારણ એ છે કે ટેકનોલોજી હાંસલ કરવા માટે કિમ જોંગ યુક્રેન ફક્ત સૈનિકોજ નહી કરે, પરંતુ રશિયાની મદદથી તેના લશ્કરનું આધુનિકીકરણ પણ કરશે.
તેનાથી દક્ષિણ કોરિયા, જાપાન અને અમેરિકા માટે ભયજનક સ્થિતિ સર્જાઈ શકે છે. દક્ષિણ કોરિયાને લઈને આમ પણ કિમ જોંગના ઇરાદા સારા રહ્યા નથી. તાજેતરના દિવસોમાં તેણે દક્ષિણ કોરિયાને ઉશ્કેરતા ઘણા પગલાં લીધા છે.
આ ઉપરાંત જાપાનની કેબિનેટે શુક્રવારે રશિયા પર યુક્રેન સાથેના યુદ્ધને લઈને વધુ પ્રતિબંધો લાદ્યા હતા. તેમા ડઝનેક વ્યક્તિઓ અને ગુ્રપોની એસેટ જપ્ત કરવાનો સમાવેશ થાય છે. તેની સાથે ડઝનેક સંગઠનો પર રશિયા અને બીજા અન્ય દેશોમાં નિકાસ કરવા પર પ્રતિબંધ લાદ્યો હતો. આ દેશો રશિયા પરના પ્રતિબંધોને ચાતરી જવામાં મદદરુપ થતાં હોવાથી તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
કેબિનેટ મુખ્ય સચિવે જણાવ્યું હતું કે આ પ્રતિબંધો દર્શાવે છે કે જાપાન જી-7 સમિટમાં રશિયા-યુક્રેન યુદ્ધ સામે સમિટે લીધેલા પગલાંને લઈને પ્રતિબદ્ધ છે. જાપાન યુક્રેન યુદ્ધને લઈને રશિયા પર અગાઉ પણ પ્રતિબંધ લાદી ચૂક્યું છે.