અમેરિકા નહીં આ દેશ છે ઉ.કોરિયાનો દુશ્મન નંબર 1, દીકરી સાથે દેખાયા સરમુખત્યાર કિમ જોંગ ઉન
કહ્યું - જો દુશ્મન અમારા દેશ સામે બળપ્રયોગ કરવાનો પ્રયાસ કરશે, તો અમે ઇતિહાસને બદલવાનો સાહસિક નિર્ણય લઈશું
North Korean leader Kim Jong Un : ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને ફરી એકવાર પોતાના દુશ્મનોને ખુલ્લો પડકાર ફેંક્યો છે. કિમ જોંગ ઉને કહ્યું હતું કે તે પોતાના દુશ્મનોનો સફાયો કરવા માટે સમગ્ર સૈન્ય શક્તિનો ઉપયોગ કરતા પણ ખચકાશે નહીં. ખરેખર કિમ જોંગ ઉને દક્ષિણ કોરિયા અને અમેરિકાનું નામ લીધા વગર બંને દેશો સામે નિશાન તાક્યું હતું.
કિમે દક્ષિણ કોરિયાને ધમકી આપી
સૈન્ય સ્થાપનાની વર્ષગાંઠ પર તેમણે કહ્યું, "જો દુશ્મન અમારા દેશ સામે બળપ્રયોગ કરવાનો પ્રયાસ કરશે, તો અમે ઇતિહાસને બદલવાનો સાહસિક નિર્ણય લઈશું અને તેમને ખતમ કરવા માટે અમારી તમામ મહાસત્તાનો ઉપયોગ કરવામાં ખચકાઈશું નહીં." "
દ.કોરિયાને ગણાવ્યો દુશ્મન નંબર 1
અહેવાલ અનુસાર કિમ જોંગે દક્ષિણ કોરિયા સાથે ફરી ક્યારેય વાટાઘાટો નહીં કરવાની તેમની પ્રતિજ્ઞા દોહરાવી હતી. સાથે જ તેણે દક્ષિણ કોરિયાને દુશ્મન નંબર 1 ગણાવ્યો છે. કિમે વધુમાં કહ્યું કે ઉત્તર કોરિયા માટે શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનો એકમાત્ર રસ્તો શક્તિશાળી લશ્કરી તૈયારીની નીતિ છે. થોડા દિવસો પહેલા કિમ જોંગ ઉને કહ્યું હતું કે તે દક્ષિણ કોરિયા વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે બંધારણ બદલવા માટે તૈયાર છે. તાજેતરમાં જ કિમ તેમની પુત્રી કિમ જુ એઈ સાથે સૈન્ય સ્થાપના દિવસ સમારોહમાં હાજરી આપી હતી. ત્યાં તેમણે તેમની પુત્રી સાથે સંરક્ષણ મંત્રાલયની મુલાકાત લીધી હતી.