ભયંકર પૂર અને જમીન ધસવા અંગે બેદરકારી માટે ઉને 30 અધિકારીઓને ઠાર મારી દીધા
- દ.કોરિયાની સમાચાર સંસ્થા જણાવે છે કે ગયા મહિને 20 થી 30 ઉચ્ચ અધિકારીઓને ગોળીથી ઠાર મરાવી નાખ્યા
સીઉલ : ચીન કે ઉ.કોરિયાના માંધાતાઓ બહુ માથાકૂટમાં પડે તેવા નથી. તેઓ વિરોધીઓને કે કામમાં ક્ષતિ કરનારાઓને ફાંસી આપવાની તકલીફ લેતા નથી. સીધા ઠાર જ મારી દે છે. પરંતુ 'કુંગ-ચીયો' (સેન્ટ્રલ-કીંગડમ-ચીન) અને ઉ.કોરિયાના 'બાંબુ કટેન'માંથી વહેલી મોડી ખબર તો પડી જાય જ છે.
ગયા મહિને ઉત્તર કોરિયામાં ભયંકર પૂર આવ્યાં હતાં, તેમજ જમીન ધસી પડવાની ઘટનાઓને લીધે હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયા હતા. ઉ.કોરિયાના ઉ.-પશ્ચિમે રહેલા આગાંગ પ્રાંતમાં બનેલી આ ઘટના અંગે બેદરકાર રહેલા અને લોકોના જાન બચાવવામાં નિષ્ફળ ગયેલા ૩૦ અધિકારીઓને ઠાર મારવાનો કીમ-જોંગ ઉને હુકમ કરી દીધો. તેમ દક્ષિણ કોરિયાની સમાચાર સંસ્થા કોરિયન ન્યૂઝ એજન્સી (કે.એન.એ) જણાવે છે. એજન્સી વધુમાં જણાવે છે કે, ભારે વરસાદ અને જમીન ધસી પડવાને લીધે વાસ્તવમાં કેટલાંક મૃત્યુ થયા હશે, તેનો ચોક્કસ આંક તો મળતો નથી, પરંતુ પ્રાપ્ય માહિતી પ્રમાણે તેમાં ૧૦૦૦થી વધુના જાન ગયા હતા, અનેકના હાથપગ ભાંગી ગયા હતા, અનેક ઘરબાર વિહોણા થઈ ગયા હતા.
ચોસન ટીવી જણાવે છે કે ગયા મહિને થયેલી આ દુર્ઘટનાની પણ માહિતી રહી રહીને મળી શકી છે તે પછી તે વિસ્તારની વ્યવસ્થા જાળવનારા અધિકારીઓ સમયસર પગલાં લઈ ન શક્યા તેથી આટલી જાનહાની થઈ હતી, આટલું બધું નુકસાન થયું હતું. પૂરને લીધે અનેક ઘરો તણાઈ પણ ગયા હશે. અસંખ્ય માણસોનાં મૃત્યુ થયા હશે. પરંતુ તે વિષે વધુ માહિતી મળી શકી નથી, પરંતુ પ્રાથમિક અહેવાલો જે કોઈ બાંબુ કર્ટનમાંથી ગવાઈને આવ્યા છે તે ઉપરથી આ તારણ આપવામાં આવ્યું છે, ઉત્તર-પશ્ચિમે આવેલો ઉ.કોરિયાનો ચાગાંગ, ચીનના મંચુરિયા પ્રાંતની સરહદને સ્પર્શીને રહેલો છે.