કિમ જોંગનુ નવુ કારનામુ, દક્ષિણ અને ઉત્તર કોરિયાના એકીકરણના પ્રતિક ગણાતા સ્મારકને બોમ્બથી ઉડાવી દીધુ
Image Source: Twitter
પ્યોંગયાંગ, તા. 8 ફેબ્રુઆરી 2024
ઉત્તર કોરિયાના ભેજાગેપ તાનાશાહ કિમ જોંગ ક્યારે શું કરશે તે કોઈ કહી શકતુ નથી.
હવે કિમ જોંગે એક નવુ કારનામુ કર્યુ છે.તેમણે દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયાના એકીકરણના પ્રતિક ગણાતા સ્મારકને બોમ્બ વડે ઉડાવી દીધુ છે. આ સ્મારકને આર્ક ઓફ રિયુનિફિકેશન...નામથી ઓળખવામાં આવતુ હતુ. ભવિષ્યમાં ક્યારેક દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચે શાંતિ સ્થપાશે અને બંને દેશો એક થશે તેવી હકારાત્મક વિચારધારા સાથે આ સ્મારકને 2001માં ઉભુ કરવામાં આવ્યુ હતુ. જેમાં દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયાની બે મહિલાઓને પોતાના દેશના પરંપરાગત પોશાક હનકોબક અને ચોસન ઓટી પહેરીને ઉભેલી દર્શાવવામાં આવી હતી. જેની તસવીરને ઉત્તર કોરિયાએ પોતાની પાંચ પ્રકારની ટપાલ ટિકટ પર પણ સ્થાન આપ્યુ હતુ. હવે આ પાંચ ટિકિટોને પણ હટાવી દેવામાં આવી છે.
જોકે કિમ જોંગને આંખમાં કણાની જેમ આ સ્મારક ખૂંચી રહ્યુ હતુ અને તેમણે જાહેરમાં આ વાત કહી હતી. આ ભાષણ બાદ તરત જ સ્મારકને બોમ્બથી ઉડાવી દેવાનો આદેશ છુટયો હતો.
કિમે કહ્યુ હતુ કે, બંને દેશો વચ્ચે હવે શાંતિપૂર્ણ મેળાપ શક્ય નથી અને દક્ષિણ કોરિયા હવે નોર્થ કોરિયાનુ સૌથી મોટુ દુશ્મન છે.
ઉત્તર કોરિયાની સરકારે ભૂતકાળમાં પણ આ પ્રકારની કાર્યવાહી કરેલી છે. જૂન-2020માં ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયાની બોર્ડર પાસેના શહેર કેસોંગમાં બનાવાયેલા બંને દેશો વચ્ચેના સંયુક્ત સંપર્ક કાર્યાલયને પણ બોમ્બ વડે ઉડાવી દેવાના ફૂટેજ બહાર પાડ્યા હતા. આ કાર્યાલય બંને દેશો વચ્ચે વાટાઘાટો માટે ખોલવામાં આવ્યુ હતુ.
2021માં ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા અને અમેરિકાની સંયુક્ત યુધ્ધ કવાયતના વિરોધમાં દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચે સ્થાપવામાં આવેલી હોટ લાઈનને તોડી નાંખી હતી. જોકે બે મહિના બાદ કિમ જોંગે ફરી આ હોટલાઈન કાર્યરત કરવાનો આદેશ આપ્યો હતો.
કિમ જોંગના આદેશ રશિયાના તાનાશાહ જોસેફ સ્ટાલિનની યાદ અપાવી છે. રશિયા પર એકચક્રી શાસન કરનારા સ્ટાલિનના મોત બાદ 1953માં રશિયામાંથી ઠેર ઠેર તેમના નામને હટાવી દેવામાં આવ્યુ હતુ.