Get The App

કિમ જોંગના નોર્થ કોરિયામાં પોપ મ્યુઝિક સાંભળવા બદલ બે કિશોરોને 12 વર્ષની જેલ

Updated: Jan 20th, 2024


Google NewsGoogle News
કિમ જોંગના નોર્થ કોરિયામાં પોપ મ્યુઝિક સાંભળવા બદલ બે કિશોરોને 12 વર્ષની જેલ 1 - image

Image : twitter

પ્યોંગયાંગ,તા.20 જાન્યુઆરી 2024,શનિવાર

નોર્થ કોરિયાના સનકી તાનાશાહ કિમ જોંગના શાસનમાં આમ જનતા માટે ભારે આકરા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. તેમાં પણ અન્ય દેશના લોકો કે તેમની સંસ્કૃતિ સાથે લોકો સ્હેજ પણ પરિચયમાં ના આવે તેનુ કિમ જોંગની સરકાર ખાસ ધ્યાન રાખતી હોય છે.

જો આ નિયમોનો કોઈ ભંગ કરે તો તેને આકરી સજા માટે તૈયાર રહેવુ પડતુ હોય છે. જેમ કે નોર્થ કોરિયામાં બે ટીન એજરને  સાઉથ કોરિયાનુ પોપ મ્યુઝિક જોવા બદલ 12 વર્ષની આકરી સજા પટકારી દેવામાં આવી છે. આ સજા દરમિયાન તેમની પાસે કાળી મજૂરી પણ કરાવવામાં આવશે.

આ અંગેનો એક વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં નોર્થ કોરિયાના અધિકારીઓ બે ટીન એજરને સાઉથ કોરિયાના પોપ મ્યુઝિક જોવા બદલ સજાનુ ફરમાન સંભળાવતા નજરે પડે છે. ઘણી આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીઓએ આ વિડિયોની નોંધ લીધી છે. જોકે વિડિયોની સચ્ચાઈ સ્થાપિત થઈ શકી નથી. વિડિયોમાં જોઈ શકાય છે કે, આ બંને કિશોરોને હાથકડી પણ પહેરાવવામાં આવી છે અને બીજા 1000 વિદ્યાર્થીઓ તેમને જોઈ રહ્યા છે. તમામ વિદ્યાર્થીઓ અને આરોપી ટીનએજરના ચહેરા પર માસ્ક છે. જેના કારણે એવી અટકળ પણ થઈ રહી છે કે, આ વિડિયો કોરોનાકાળનો છે. સજા ફટકારનારા અધિકારીઓ કહેતા સંભળાય છે કે, આ બંને ટીનએજરોએ વિદેશી સંસ્કૃતિના રવાડે ચઢીને પોતાનુ જીવન બરબાદ કર્યુ છે.

સાઉથ કોરિયાના કલ્ચર અને ખાસ કરીને પોપ મ્યુઝિક અને ફિલ્મોથી કિમ જોંગને ભારે નફરત છે. 2020માં પણ તેમણે દક્ષિણ કોરિયાના લોકોના બોલવાની નકલ કરતા જો કોઈ પકડાય તો આકરી સજા ફટકારવાનો આદેશ આપ્યો હતો.


Google NewsGoogle News